દેશના 15 જેટલા રાજ્યોમાં વાવાઝોડા, વીજળી અને ભારે વરસાદની ચેતવણી !!!

દેશભરમાં ઉનાળાની તીવ્રતા વધતી જઈ રહી છે, છતાં હવામાનમાં અચાનક ફેરફારના સંકેતો પણ મળી રહ્યા છે. IMD દ્વારા તાજેતરમાં 15 જેટલા રાજ્યોમાં વાવાઝોડા, વીજળી અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં હીટવેવનું જોખમ યથાવત રહેતા ડબલ પડકાર સર્જાયો છે.
ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હીમાં ગરમી અને ભેજનું મિશ્રણ લોકોને પરેશાન કરી શકે છે. આગામી દિવસોમાં તાપમાન 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે આકાશ ભાગ્યે વાદળછાયું રહેવાની શક્યતા છે. હળવા પવનથી થોડી રાહત મળી શકે છે, પરંતુ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે.
આ તરફ ઉત્તર પ્રદેશમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુર જેવા શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે, જે હીટવેવની શરૂઆત દર્શાવે છે. ખાસ કરીને પૂર્વી વિસ્તારોમાં ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બિહારમાં આગામી દિવસોમાં હવામાનમાં નાટકીય ફેરફાર જોવા મળી શકે છે. અહીં તોફાની પવન, વીજળી અને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે જોખમી સાબિત થઈ શકે છે. આ તરફ મધ્ય પ્રદેશમાં બે પ્રકારની પરિસ્થિતિ એકસાથે જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં વીજળી સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહેશે. આથી લોકો માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.
પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠા અને આંતરિક વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં હિમાચલ પ્રદેશમાં હાલ હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે, પરંતુ પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી આવતા દિવસોમાં કેટલાક ઊંચા વિસ્તારોમાં વરસાદ કે હિમવર્ષા થઈ શકે છે.
આ સાથે દક્ષિણ ભારતના તમિલનાડું, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ વાવાઝોડા, વીજળી અને પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ વિસ્તારોમાં દરિયાઈ પરિસ્થિતિઓને કારણે હવામાન ઝડપથી બદલાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમમાં પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ અને તેજ પવનની આગાહી છે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોમાં પણ હવામાન સક્રિય બન્યું છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે, જેનાથી સ્થાનિક સ્તરે અસર થઈ શકે છે.





