MEHSANAVIJAPUR

વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલમાં ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપનો અનોખો સેવાકીય કાર્યક્રમ વૃદ્ધાશ્રમોના 225 જેટલા વડીલોને એકત્રિત કરી ‘અમે છીએ તમારા’ કાર્યક્રમ યોજાયો

વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલમાં ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપનો અનોખો સેવાકીય કાર્યક્રમ
વૃદ્ધાશ્રમોના 225 જેટલા વડીલોને એકત્રિત કરી ‘અમે છીએ તમારા’ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલ ખાતે વિસનગર સ્થિત ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપ દ્વારા માનવતાનો અનોખો ઉદાહરણ પૂરું પાડતો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા નવ વર્ષથી નિરાધાર અને વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસમાં કાર્યરત ગ્રુપ દ્વારા “અમે છીએ તમારા” નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં આવેલ રામબાગ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડનગર, કડા, મોતીપુરા, વસઈ, વરસોડા, મહુડી, હિંમતનગર તેમજ વિજાપુર સહિતના વિસ્તારોના વૃદ્ધાશ્રમોમાંથી આશરે 225 જેટલા વડીલો તથા દિવ્યાંગ ભાઈ-બહેનોને એકત્રિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ચા-નાસ્તાથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો, જુના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ (ગાયક હરેશભાઈ દ્વારા), તેમજ વડીલો માટે ડાન્સ, વિવિધ રમતો, ભજન અને રાસ-ગરબાનો પણ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. બપોરે તમામ માટે પાકું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અંતે આઈસ્ક્રીમ આપીને વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી.
આ પ્રસંગે મેલડીધામ ખણુંસાના મહંત પૂજ્ય મહેશપુરી બાપુએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોજન, ચા-નાસ્તા, આઈસ્ક્રીમ, હોલ તથા સ્ટેજ માટે દાન આપનાર દાતાઓનો સ્માઈલ પ્લીઝ ગ્રુપ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિશેષ નોંધપાત્ર વાત એ રહી કે આ સમગ્ર આયોજનમાં તાલુકાના જાણીતા રિયલ એસ્ટેટ બ્રોકર અને સેવાકીય કાર્યકર જગદીશભાઈ પંચાલ તેમજ પિલવાઇના કથાકાર કિરીટભાઈ શાસ્ત્રીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્માઈલ પ્લીઝ ગ્રુપે તેમના સહકાર માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમથી વડીલોમાં નવી ઉર્જા અને આનંદનો માહોલ સર્જાયો હતો, જે સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.

Back to top button
error: Content is protected !!