KHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પાણી નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ફળિયામાં આવેલ હેન્ડપમ્પ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી બંધ હાલતમાં હોવાથી લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત આશરે ૧૦થી ૧૨ વર્ષ પહેલાં બનાવાયેલી પાણીની ટાંકી પણ નિષ્ક્રિય બની જતા “શોભાના ગાંઠીયા” સમાન બની રહી છે.ઉનાળાની ઋતુમાં બોર અને કૂવામાં પાણીનો સ્તર ઘટતા સમસ્યા વધુ વિકટ બની છે. દેસાઈ ફળિયાના અંદાજે ૧૦થી ૧૫ પરિવારોને રોજિંદા પાણી માટે અન્ય લોકોના ખેતરોમાં જવું પડે છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ભારે તકલીફો સહન કરવી પડી રહી છે. અગાઉ હેન્ડપમ્પ દ્વારા પાણી મળતું હતું, પરંતુ તે બંધ થતા હાલ પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે.સ્થાનિક રહિશો દ્વારા ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઠોસ ઉકેલ આવ્યો નથી. આ પરિસ્થિતિને પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને “પાણી નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે.

એક સ્થાનિક મહિલા રહીશે જણાવ્યું હતું કે, “અમારા ફળિયામાં ઘણા દિવસોથી પાણીની ભારે તકલીફ છે. ખેતરમાં પાણી મૂકાય ત્યારે પાઈપલાઈનથી પાણી ભરીએ છીએ. ઉનાળામાં હાલત વધુ ખરાબ બને છે, છતાં કોઈ સ્થાનિક નેતા અમારી સ્થિતિ જોવા આવ્યો નથી.”

આ મુદ્દે વાવ ગામની સરપંચ બિન્નીબેન પટેલે જણાવ્યું હતું કે, “રજુઆત મળતા હેન્ડપમ્પ ચેક કરાવ્યો હતો, પરંતુ તે પુરાઈ ગયો છે. અહીં નવો સરકારી બોર અને હેન્ડપમ્પ માટે મંજૂરી મળી ગઈ છે. ચૂંટણી આચારસંહિતાને કારણે કામ અટક્યું હતું, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે. ગામમાં સરકારી કૂવો અને પાઈપલાઈન પણ ઉપલબ્ધ છે.”ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક હેન્ડપમ્પ દુરસ્ત કરવામાં આવે અને પાણીની ટાંકી કાર્યરત બનાવી નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!