
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
લોડાઈ જૈન સંઘના જિનાલયની ૨૧મી ધ્વજારોહણ કંકોત્રી લેખનનો ભચાઉ મધ્યે ઐતિહાસિક પ્રારંભ: દીકરીઓ દ્વારા થશે ધ્વજારોહણ
ભચાઉ/લોડાઈ, તા. 22:
કચ્છના લોડાઈ ગામે આગામી તારીખ ૧૦-૦૫-૨૦૨૬ના રોજ શ્રી શાંતિનાથ જિનાલયની ૨૧મી ધ્વજારોહણનો ભવ્ય મહોત્સવ ઉજવાશે. આ વર્ષના ઉત્સવની વિશેષતા એ છે કે આ ધ્વજારોહણ જૈન સંઘની દીકરીઓ દ્વારા કરવામાં આવશે. આ ઐતિહાસિક કાર્યક્રમના શ્રીગણેશ ભચાઉ ખાતે યોજાયેલા ‘કંકોત્રી લેખન’ પ્રસંગથી કરવામાં આવ્યા હતા.
અનુકંપા કેન્દ્રના જીવદયા પ્રેમી યુવા આગેવાન અરવિંદ ધનજી મહેતાના જણાવ્યા અનુસાર ભચાઉના વિવિધલક્ષી હોલ ખાતે ઢોલ-નગારાના નાદ સાથે ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં આ આયોજન કરાયું હતું. જેમાં ભચાઉ, ગાંધીધામ, અંજાર અને માધાપરની દીકરીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. તમામ દીકરીઓએ પારંપરિક સાફા સજાવી અને તિલક કરી કંકોત્રી લખવાની શાસ્ત્રોક્ત વિધિનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે અલ્પાહારનો લાભ લોડાઈના માતૃશ્રી ભાગ્યવંતીબેન ધનજીભાઈ મહેતા પરિવારે લીધો હતો. જ્યારે પેંડાની પ્રભાવનાનો લાભ ઝંખનાબેન મહાસુખ મોરબીયા તથા શિલ્પાબેન જીગર મોરબીયાએ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં ડેકોરેશનની સેવા સંઘવી રસિકલાલ પ્રેમચંદભાઈ (ભાવના-ઉમંગી) દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
સુરતથી વિગતો આપતા નેહાબેન દિલીપભાઈ ખંડોરે જણાવ્યું હતું કે આ ધ્વજારોહણમાં માત્ર વર્તમાન દીકરીઓ જ નહીં પરંતુ જે દીકરીઓ આજે હયાત નથી તેમના પરિવારો પણ અપાર શ્રદ્ધા સાથે આ મહોત્સવમાં જોડાયા છે. લોડાઈ જૈન સંઘની દીકરીઓએ સમગ્ર સંઘના ભાઈઓ-બહેનોને આ ૨૧મી ધ્વજારોહણના પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લોડાઈ જૈન સંઘના અગ્રણી ધનજીભાઈ છગનલાલ મહેતા, તીર્થ મહેતા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. હાલ લોડાઈ જૈન સમાજ સહિત સમગ્ર ગામમાં આ મહોત્સવને લઈને ભારે ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અહેવાલ: વિનોદભાઈ મહેતા – મુંદરા (કચ્છ)



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



