ગોધરામાં ચૂંટણી ટાણે મતદારોને લલચાવવા 50 લાખની નાણાકીય હેરાફેરીનો પર્દાફાશ
AAP ના 3 કાર્યકરો સામે SOG ની કાર્યવાહી

પ્રતિનિધિ ગોધરા તા.22
નિલેશભાઈ દરજી શહેરા 
આગામી તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ યોજાનારી ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવવા અને મતદારોને અપાતા પ્રલોભનો રોકવા માટે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણીમાં મતદારોને લોભ-લાલચ આપવાના ઇરાદે આંગડિયા મારફતે આશરે 50 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર નાણાકીય હેરફેર કરવાના મામલે પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ના ગોધરા નગરપાલિકાના ઉમેદવાર સહિત ત્રણ સક્રિય કાર્યકરોની સંડોવણી પકડી પાડી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી. ગોધરાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. વહોનિયાને મળેલી ખાનગી બાતમીના આધારે આ મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. 11 ના આપ પક્ષના ઉમેદવાર અને સક્રિય કાર્યકર અજય સોમાલાલ વસ્તાણી રહે. બામરોલી રોડ, ગોધરા, મોરવાના મેખર ગામના રમણભાઈ ગુલાબભાઈ બારિયા અને હાલોલના દર્શિત કૃષ્ણકાંત સોની નામના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોતાના મળતિયાઓ સાથે મળીને છેલ્લા પંદરેક દિવસમાં આ કૌભાંડ આચર્યું છે. આ શખ્સોએ ગોધરા સ્થિત પી.એમ. આંગડિયા અને વી. પટેલ આંગડિયા પેઢીમાં હવાલા મારફતે રૂપિયા 50 લાખથી વધુની રકમની ગેરકાયદેસર હેરાફેરી કરી છે. આ નાણાંનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને લલચાવવાનો હોવાનું અને આ સંગઠિત ગુનામાં ગુજરાતના અન્ય જિલ્લાઓના લોકો પણ સંડોવાયેલા હોવાની હકીકત સામે આવી છે.
રાજ્યમાં ચૂંટણી મુક્ત, પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ પોલીસતંત્ર સતર્ક બન્યું છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને ગોધરાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એ. વાઘેલા દ્વારા પીએસઆઇ ડી.જી. વહોનિયા, પીએસઆઇ બી.કે. ગોહિલ અને સ્ટાફને નાણાકીય હેરફેર પર વોચ રાખવા સૂચના અપાઈ હતી. જેના પરિણામસ્વરૂપ આ ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત હકીકતોના આધારે હાલમાં આ સમગ્ર પ્રકરણની આગળની વધુ સઘન તપાસ અને તજવીજ ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.






