MORBI:મોરબી પોલીસ દ્વારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ





MORBI:મોરબી પોલીસ દ્વારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ

મોરબી: આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મોરબી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં ફાળ પડે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસનો કાફલો રસ્તા પર
મોરબીના ડીવાયએસપી જે.એમ. આલ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આગામી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો કોઈપણ પ્રકારના ડર વિના મતદાન કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવાનો છે.
આ ફ્લેગ માર્ચમાં કુલ 20 જેટલા અધિકારીઓ અને 100 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસના કાફલાએ શહેરના નીચે મુજબના વિસ્તારો ખૂંદી વળ્યા હતા:એ ડિવિઝન વિસ્તાર: જેલ ચોક, કાલિકા વિસ્તાર, રવાપર રોડ, ઉમિયા સર્કલ, નવું બસ સ્ટેન્ડ, જૂનું બસ સ્ટેન્ડ, પંચાસર રોડ અને વાવડી રોડ.

બી ડિવિઝન વિસ્તાર: વીસીપરા, મહેન્દ્રનગર અને અન્ય સંવેદનશીલ (સેન્સેટિવ) વિસ્તારો.પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા આ સઘન પેટ્રોલિંગથી નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તંત્ર સજ્જ છે. કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની તકેદારી રાખવામાં આવશે.





