HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સામે ગુનો દાખલ

HALVAD:હળવદમાં દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સામે ગુનો દાખલ

 

હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા એક દંપતીને સ્થાનિક શખ્સે ગાળો આપી, તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

​મળતી માહિતી મુજબ, હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસે પારેખ ફળીયામાં રહેતા અભિષેકભાઈ સુભાષભાઈ જોષી (ઉ.વ. ૪૧) ગત ૨૧ એપ્રિલના રોજ રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં તેમના પત્ની સાથે પોતાની શેરીમાં વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતો ગૌતમ ગોઠી નામનો શખ્સ મોટરસાયકલ પર ત્યાંથી પસાર થતી વખતે ગાળો બોલી રહ્યો હતો.
​અભિષેકભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને ધમકાવવા લાગ્યો હતો કે, “તું મને ઓળખે છે? હું ગૌતમ ગોઠી કણબીપરા વાળો છું.” તે સમયે મામલો વધુ ન બિચકે તે માટે પત્નીએ સમજાવીને અભિષેકભાઈને ઘરે લઈ ગયા હતા.આ ઘટનાના માત્ર ૧૦ મિનિટ બાદ આરોપી ગૌતમ ગોઠી હાથમાં બે તલવારો લઈને દંપતીની શેરીમાં ધસી આવ્યો હતો. તેણે તલવારો બતાવી ફરીથી ગાળો ભાંડી હતી અને ધમકી આપી હતી કે, “જો હવે પછી ક્યારેય ગાળો બાબતે મને ટોક્યો છે, તો તને જાનથી મારી નાખવો પડશે.”​આ ભયજનક ઘટના બાદ અભિષેકભાઈ જોષીએ હળવદ પોલીસ મથકે આરોપી ગૌતમ ગોઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!