MEHSANAVIJAPUR

વિજાપુર પિલવાઈ ગામના ૪૦ વર્ષથી પક્ષસેવામાં રહેલા કાર્યકરને ટિકિટ ન મળતા વ્યથા વ્યક્ત, પ્રદેશ કક્ષાએ રજુઆત

વિજાપુર પિલવાઈ ગામના ૪૦ વર્ષથી પક્ષસેવામાં રહેલા કાર્યકરને ટિકિટ ન મળતા વ્યથા વ્યક્ત, પ્રદેશ કક્ષાએ રજુઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામના ચૌહાણ હસમુખભાઈ હીરાભાઈએ તાલુકા પંચાયતની ૧૮ નંબર સીટ માટે પાર્ટીની ટિકિટ ન મળતા ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે અને આ મામલે પ્રદેશ તથા રાષ્ટ્રીય કક્ષાએ રજુઆત કરી છે.
હસમુખભાઈ છેલ્લા આશરે ૪૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રહી વિવિધ હોદ્દાઓ પર કામગીરી કરી રહ્યા છે. હાલ તેઓ વિજાપુર તાલુકા ભાજપમાં મંત્રી તરીકે તેમજ બુથ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ તાલુકા મંત્રી, તાલુકા પંચાયત સીટના પ્રભારી તેમજ અનુસૂચિત જાતિ મોરચામાં મહામંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, ૧૮ નંબર તાલુકા પંચાયત સીટ અનુસૂચિત જાતિ માટે અનામત હોવા છતાં તેમની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા હોવા છતાં ટિકિટ આપવામાં આવી નથી. તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા તેમને તથા તેમના સમર્થકોમાં નિરાશા ફેલાઈ છે.
હસમુખભાઈએ આક્ષેપ કર્યો છે કે પાર્ટી દ્વારા જાહેર કરાયેલા માપદંડો મુજબ સક્રિય કાર્યકરોને પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ અહીં વિપરીત સ્થિતિ જોવા મળી છે. આ મુદ્દે તેમણે નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે તેમજ રાજ્ય અને જિલ્લા સ્તરના પક્ષના આગેવાનોને પણ જાણ કરી છે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો આ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહેશે તો પાયાના કાર્યકરોમાં અસંતોષ વધશે અને પક્ષ પ્રત્યેનો વિશ્વાસ ઘટી શકે છે.
હસમુખભાઈએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!