THARADVAV-THARAD

વાવ-થરાદમાં લોકશાહીનો મહાપર્વ! ૮૨૭ મતદાન મથકો પર ૭.૪૨ લાખ મતદારો તૈયાર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન અને ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત જિલ્લાની કુલ ૮ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરીને ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે દરેક તાલુકા મથકે રિટર્નિંગ ઓફિસર (R.O.) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (A.R.O.)ની નિમણૂક કરી દેવામાં આવી છે, જેઓ સમગ્ર મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

 

વાવ – થરાદ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો અને જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો માટે મતદાન યોજાનાર છે. જેમાં થરાદ તાલુકામાં સૌથી વધુ ૨૪ તાલુકા પંચાયત બેઠકો અને ૬ જિલ્લા પંચાયત બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાહ, વાવ, ધરણીધર, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાઓમાં પણ બેઠકો મુજબ ચૂંટણી યોજાશે. સમગ્ર જિલ્લામાં કુલ ૮૨૭ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જે ૪૫૨ જેટલા અલગ-અલગ લોકેશન પર કાર્યરત રહેશે.

 

મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, વાવ-થરાદ જિલ્લામાં કુલ ૭,૪૨,૧૮૭ મતદારો નોંધાયેલા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા ૩,૮૮,૯૧૦ અને સ્ત્રી મતદારોની સંખ્યા ૩,૫૩,૨૭૫ છે, જ્યારે અન્ય ૨ મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ ૧,૫૨,૩૧૬ મતદારો થરાદ તાલુકામાં છે, જ્યારે સૌથી ઓછા ૬૧,૯૯૪ મતદારો રાહ તાલુકામાં નોંધાયા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

 

તાલુકા પંચાયતોની સાથે સાથે જિલ્લાની બે મહત્વની નગરપાલિકાઓ, થરાદ અને ભાભરની પણ સામાન્ય ચૂંટણી યોજાશે. થરાદ નગરપાલિકાની ૨૮ બેઠકો માટે ૨૨ મતદાન મથકો અને ભાભર નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ૧૫ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. નગરપાલિકા વિસ્તારમાં કુલ ૩૪,૭૬૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Back to top button
error: Content is protected !!