

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા પંચાયતની સાધલી-૨ બેઠકમાં રાજકીય પરિસ્થિતિમાં અચાનક વળાંક આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ભાઈલાલભાઈ પટેલ ફરી એકવાર કોંગ્રેસના પ્રચારમાં સક્રિય બનતા રાજકીય માહોલ ગરમાયો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સંજય પટેલે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તે સમયે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તથા શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની હાજરીમાં તેમણે ભાજપમાં સમર્થન આપ્યું હતું.
હાલમાં સંજય પટેલ ફરી કોંગ્રેસના મેદાનમાં ઉતરતા ભાજપની છાવણીમાં ચિંતા જોવા મળી રહી છે. તેમના આ પગલાને કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
સંજય પટેલે સાધલી ખાતે સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર તથા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કોંગ્રેસના પ્રચારનો શુભારંભ કર્યો હતો.




