ચૂંટણીની કામગીરી વચ્ચે વાવ – થરાદ કલેક્ટર શ્રી જે. એસ. પ્રજાપતિનો માનવીય અભિગમ: ફૂટપાથ પર વસવાટ કરતા પરપ્રાંતીય પરિવારની લીધી મુલાકાત

24 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કલેકટરશ્રીએ પરપ્રાંતીય પરિવારને સ્થળ પર જ અનાજ અને દવાઓની સહાય ઉપલબ્ધ કરાવી અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે વાતચીત કરી વાવ – થરાદ જિલ્લામાં માનવતા અને પ્રજાવત્સલતાનું ઉત્તમ ઉદાહરણ આજે ત્યારે જોવા મળ્યું, જ્યારે જિલ્લા કલેક્ટરશ્રી જે. એસ. પ્રજાપતિ ક્ષેત્રીય કામગીરી દરમિયાન માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર વસવાટ કરતા એક પરપ્રાંતીય પરિવાર પાસે જઈ તેમની હાલત વિશે નજીકથી જાણકારી મેળવી હતી. ચૂંટણીની કામગીરી વચ્ચે કલેકટરશ્રીએ પરિવાર સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની મૂળભૂત જરૂરિયાતો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ખાસ કરીને પરિવારના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે ગંભીરતા દાખવી હતી. બાળકોને નિયમિત શિક્ષણ મળે અને તેઓ આરોગ્યપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે સંબંધિત વિભાગોને તાત્કાલિક ધ્યાન આપવા સૂચનાઓ આપી, જેથી આવા પરિવારોને સરકારી યોજનાઓનો યોગ્ય લાભ મળી શકે.આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ માનવતાભાવ દાખવી પરિવાર માટે તાત્કાલિક અનાજ અને દવાઓની વ્યવસ્થા પણ કરાવી હતી. તેમની આ સંવેદનશીલ અને પ્રજાવત્સલ કાર્યશૈલીને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે. આ ઘટના સમાજમાં માનવતા અને સહકારના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને સરકારી તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવામાં સહાયરૂપ બને છે.







