BANASKANTHAPALANPUR

એક પણ મત બગડે નહીં: મતદારો માટે ઓળખના વિકલ્પ દસ્તાવેજો માન્ય

૨૪ એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬: મતદારો માટે ઓળખપત્ર અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર
એક પણ મત બગડે નહીં: મતદારો માટે ઓળખના વિકલ્પ દસ્તાવેજો માન્ય. આગામી સમયમાં યોજાનાર તાલુકા તથા જિલ્લા પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને મતદારો પોતાના મતાધિકારનો સ્વતંત્ર અને નિર્ભય ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
મતદાનના દિવસે કોઈપણ મતદારને મતદાન કરતા અટકાવવામાં ન આવે તે અંગે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. જો મતદાર પોતાની ઓળખ માન્ય દસ્તાવેજોના આધારે સ્થાપિત કરી શકે, તો તેને મતદાન કરવાની મંજૂરી આપવાની રહેશે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મતદાર યાદીઓ વિધાનસભાની મતદાર યાદી પરથી તૈયાર થતી હોય છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ફોટો ઓળખપત્ર (EPIC) મતદાન માટે મુખ્ય દસ્તાવેજ તરીકે માન્ય રહેશે અને મતદારે મતદાન મથકે તેને રજૂ કરવો આવશ્યક રહેશે.
જો મતદારના EPIC કાર્ડમાં નામ, ઉમર અથવા અન્ય વિગતોમાં નાની clerical અથવા જોડણીની ભૂલ હોય, તો તે કારણે મતદાનથી વંચિત રાખવામાં નહીં આવે. તેમ જ, અન્ય વિધાનસભા મતવિસ્તારનું EPIC હોવા છતાં, ઓળખ સ્થાપિત કરવા માટે તે માન્ય ગણાશે.
જો કોઈ મતદાર પાસે EPIC ઉપલબ્ધ ન હોય, તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, PAN કાર્ડ, સરકારી/અર્ધસરકારી ઓળખકાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ પાસબુક, આધાર કાર્ડ સહિતના અન્ય નિર્ધારિત વૈકલ્પિક ઓળખ દસ્તાવેજો માન્ય ગણવામાં આવ્યા છે:
મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે મતદાર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજની વિગતો મતદાર રજીસ્ટરના નિર્ધારિત કોલમમાં નોંધવામાં આવશે. EPIC રજૂ કરવામાં આવે ત્યારે “EP” તરીકે નોંધ કરવામાં આવશે, જ્યારે અન્ય દસ્તાવેજના કિસ્સામાં તે દસ્તાવેજનો પ્રકાર તથા નંબરના છેલ્લા ચાર અંક નોંધવાના રહેશે.
રાજ્ય ચૂંટણી આયોગ મતદારોને અનુરોધ કરે છે કે તેઓ યોગ્ય ઓળખપત્ર સાથે મતદાન મથકે હાજર રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય સહભાગી બને.
બોક્સ
મતદાન માટે માન્ય ઓળખ દસ્તાવેજો (વિગતવાર યાદી)
૧) ફોટા સાથેનો પાસપોર્ટ
૨) ફોટા સાથેનું ડ્રાઇવિંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઇસ્યુ થયેલ)
૩) ફોટા સાથેનું ઇન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ
૪) રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો સાથેનાં ઓળખકાર્ડ
૫) પબ્લિક સેક્ટર બેંકો અથવા પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઇસ્યુ થયેલ)
૬) અનુસૂચિત જાતિ(SC) / અનુસૂચિત આદિજાતિ(ST) / અન્ય પછાતવર્ગ(OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઇસ્યુ થયેલ)
૭) ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક/પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ.)
૮) કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ડ.
૯) ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
૧૦) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ)
૧૧) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
૧૨) કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકર્તા. (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ)
૧૩) નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
૧૪) UIDAI દ્વારા આપવામાં આવેલ “આધાર કાર્ડ”ઉપરોક્ત પૈકી કોઈપણ એક માન્ય દસ્તાવેજ દ્વારા મતદાર પોતાની ઓળખ સ્થાપિત કરી મતદાન કરી શકે છે.

Back to top button
error: Content is protected !!