GODHARAPANCHMAHAL

ગોધરાના અંદરના મુવાડા ગામના ૨૫ ખેડૂતોની આજીવિકા સામે ખતરો

પાનમ સિંચાઈનું પાણી ખેતરો સુધી ન પહોંચતા પઢિયારના ખેડૂતોની તંત્રને રજૂઆત

 

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પાણીનો બગાડ અટકાવવા અને ખેતી બચાવવા અંદરના મુવાડાના ખેડૂતોની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની માંગ

 

“પાણીના અભાવે ખેત ઉત્પાદન ન થવાથી ખેડૂત પરિવારોની આર્થિક સ્થિતિ કથળી રહી છે.”

– રામસિંહભાઈ પટેલ (ખેડૂત, ગામ: પઢીયાર)

 

 

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢિયાર ગ્રામ પંચાયત હેઠળ આવતા અંદરના મુવાડા ગામના આશરે ૨૫ જેટલા ખેડૂત પરિવારોને હાલ સિંચાઈના પાણીના અભાવે આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેતી જ જેમનો એકમાત્ર આર્થિક આધાર છે તેવા આ ખેડૂતોના ખેતરો સુધી પાનમ સિંચાઈ યોજનાનું પાણી ન પહોંચતા ખેતી કરવી અશક્ય બની ગઈ છે. આ સમસ્યાના ઉકેલ માટે ખેડૂતો દ્વારા પાનમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને ઓનલાઈન ફરિયાદ પોર્ટલ મારફતે રજૂઆત કરી ખેતરો સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની માંગ કરવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિસ્તારમાં સિંચાઈ માટે પાનમ સિંચાઈ યોજનાની ૨૭/આર ડિસ્ટ્રીની ૩/એલ માઇનોરના બારા નં. ૦૩ ની ફાળવણી થયેલી છે. પરંતુ મુખ્ય બારાથી ખેતરોનું અંતર આશરે ૩ કિલોમીટર જેટલું લાંબુ હોવાથી છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચાડવું અત્યંત મુશ્કેલ બન્યું છે. ભૂતકાળમાં સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલા માટીના ઢાળિયાઓ અને કુંડીઓ હાલ સંપૂર્ણપણે નાશ પામી માટીથી પુરાઈ ગયા છે. આટલા લાંબા અંતર સુધી માટીના ખુલ્લા ઢાળિયા મારફતે પાણી લાવવામાં મોટા પાયે પાણીનો વેડફાટ થાય છે અને પાણી ખેતર સુધી પહોંચતું જ નથી. નાના અને સીમાંત ખેડૂતો માટે સ્વખર્ચે આટલા લાંબા અંતરની નવી પાઇપલાઇન નાખવી આર્થિક રીતે અશક્ય છે.

 

સિંચાઈના પાણી વિના ખેતી છોડવાનો વારો આવતા ખેડૂતોએ વિવિધ યોજનાઓ અથવા યોગ્ય ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા કાર્યપાલક ઈજનેરને અપીલ કરી છે. જો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મંજૂર કરવામાં આવે તો અમૂલ્ય પાણીનો બગાડ અટકશે અને ખેડૂતો સારી રીતે ખેતી કરી પોતાની આજીવિકા બચાવી શકશે તેવી રજૂઆતમાં માંગ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!