ભરૂચ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.




સમીર પટેલ, ભરૂચ
જિલ્લામાં કુલ 336 બેઠકો માટે 10.86 લાખ જેટલા મતદારો 956 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ પ્રક્રિયા માટે આજે ભરૂચની કે.જે. પોલીટેકનિક કોલેજ ખાતે પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી અંતર્ગત ચાર નગરપાલિકાના 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. આમાં અંદાજે 2.19 લાખ મતદારો મતદાન કરશે.
જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં કુલ 8.67 લાખ મતદારો ભાગ લેશે.
જિલ્લાભરમાં કુલ 1134 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકો અને જિલ્લા-તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકો પર મતદાન યોજાશે. ચૂંટણી કામગીરી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.
આજરોજ કે.જે. પોલીટેકનિક કોલેજ ખાતે જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેમની નિમણૂકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચૂંટણી ઓબ્ઝર્વર બી.ડી. ડવેરા ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટ્રોંગ રૂમ સહિતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નાયબ ચૂંટણી અધિકારી નિકુંજ સાવલાએ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે માહિતી આપી હતી.
શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે.




