ભરૂચમાં જિલ્લા પંચાયત કોલોની પાસે બંગલામાં આગ:ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, જાનહાનિ ટળી



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરની જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોનીમાં આવેલા એક બંગલામાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ ઘટના ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ઓફિસર કોલોનીના મકાન નંબર 2 માં બની હતી. જનક તાપીયાવાલાના બેડરૂમમાં ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગની જાણ થતાં જ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને ફાયર અધિકારી ચીરાગ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ એક મીની ફાયર ટેન્ડર અને એક વોટર બાઉઝરનો ઉપયોગ કરીને આગને ફેલાતી અટકાવવા ઝડપી કાર્યવાહી કરી હતી.
આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટથી લાગેલી આ આગમાં બેડરૂમમાં રહેલા પંખો, એસી, ગાદલા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માલમત્તાને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે.
ફાયર વિભાગે બંગલામાંથી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં બચાવીને મકાન માલિકને પરત કર્યા હતા.




