જંબુસરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ — ઇવીએમ વિતરણ સાથે તૈયારીઓ પૂર્ણતાના તબક્કે


જંબુસર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે મતદાન યોજાનાર છે. આ માટે શહેરમાં કુલ ૩૨ મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મતદારો પોતાની લોકશાહી હકનો ઉપયોગ કરશે. દરેક મતદાન મથકે જરૂરી સુવિધાઓ, પીવાના પાણી, લાઈટ, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
તે ઉપરાંત, જંબુસર તાલુકા પંચાયતની 22 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પણ મતદાન યોજાનાર છે. જેની વ્યવસ્થા જંબુસર એચ.એસ શાહ હાઇસ્કુલ ખાતે કરવામાં આવી છે.
આ ચૂંટણી માટે કુલ 158 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે પૈકી સંવેદનશીલ 39 અને અતિ સંવેદનશીલ 65 મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.જ્યાં ગ્રામ્ય વિસ્તારોના મતદારો મતદાન કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સુચારૂ વ્યવસ્થા માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે અંદાજે 1100 જેટલા કર્મચારીઓ વિવિધ ફરજોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓમાં પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે, જેમને ચૂંટણી પૂર્વે તાલીમ આપવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 1 ડી.વાય.એસ.પી,3 પી.આઈ., 6 પી.એસ.આઈ., 226 પોલીસ સ્ટાફ, 134 હોમગાર્ડ, 107 જીઆરડી તેમજ 18 એસ.આર.પી.ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર ખાસ નજર રાખવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ મશીનોની સંપૂર્ણ તપાસ, સીલિંગ અને સલામતીની કડક તકેદારી લેવામાં આવી છે. મતદારોને નિર્ભય અને સ્વતંત્ર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ચૂંટણીને લઈ ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહી પ્રક્રીયા મજબૂત બને અને સારા પ્રતિનિધિઓની પસંદગી થઈ શકે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ


