લોકશાહીના પર્વમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની માનવતાભરી કામગીરી, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને આપી સહાય

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આજે મતદાન પ્રક્રિયા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી માનવતાભરી કામગીરી લોકપ્રશંસા મેળવી રહી છે.
મતદાન મથકો પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સહાય કરી હતી. ખાસ કરીને વાંચ, મણિપુર તેમજ બગોદરા તાલુકાના ભામસરા અને ગાંગડ ગામોમાં પ્રાથમિક શાળાઓ ખાતે આવેલા મતદાન મથકો પર આ દૃશ્યો જોવા મળ્યા હતા.
ઘણા વૃદ્ધ મતદારોને ચાલવામાં તકલીફ હોવા છતાં તેઓ મતદાન માટે આવ્યા હતા, ત્યારે પોલીસ કર્મચારીઓએ તેમને હાથ પકડીને, ખુરશી કે વ્હીલચેરની મદદથી મતદાન બુથ સુધી પહોંચાડ્યા હતા. દિવ્યાંગ મતદારોને પણ સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવી હતી.
આ સહકારના કારણે અનેક એવા મતદારો, જેમને સામાન્ય રીતે મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હોત, તેઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હતા. મતદારો અને તેમના પરિવારજનો દ્વારા પોલીસના આ સંવેદનશીલ અને સહાનુભૂતિપૂર્ણ વલણની પ્રશંસા કરવામાં આવી રહી છે.
સ્થાનિક સ્તરે કાર્યરત અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો વિષય નથી, પરંતુ દરેક નાગરિકને મતદાનનો અધિકાર સરળતાથી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવું પણ તંત્રની મહત્વપૂર્ણ જવાબદારી છે. પોલીસ તંત્ર આ દિશામાં સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.
મતદાન મથકો પર પાણી, છાંયો અને બેઠકો જેવી સુવિધાઓ સાથે સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે, જેથી મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો માટે અલગ કતાર અને સહાયક વ્યવસ્થા ગોઠવાઈ છે.
આ રીતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરજ અને માનવતા વચ્ચેનો સુંદર સમન્વય રજૂ કરવામાં આવ્યો છે, જે લોકશાહીના આ મહાપર્વને વધુ અર્થપૂર્ણ બનાવે છે.





