
મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ
**
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…
આજે સવારે ૭:૦૦ કલાકથી જિલ્લાના તમામ મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાન શરૂ
**

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુદ્રઢ વ્યવસ્થા વચ્ચે લોકશાહીના પર્વની શાનદાર શરૂઆત
**
વહેલી સવારથી જ મતદાન મથકો પર જાગૃત મતદારોની લાંબી કતારો જોવા મળી
**


મહીસાગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે ૭:૦૦ કલાકથી સંપૂર્ણ શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓ અને સુદ્રઢ વ્યવસ્થાના પરિણામે, જિલ્લાના તમામ મતદાન મથકો પર સમયસર અને કોઈપણ જાતની અડચણ વિના મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા માટે મહીસાગર જિલ્લાના મતદારોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. વિશેષ કરીને મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા છે.
સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી ક્યાંયથી પણ કોઈ અનિચ્છનીય બનાવ કે મોટી ફરિયાદ સામે આવી નથી, અને મતદાન પ્રક્રિયા અત્યંત પારદર્શક અને સરળતાથી ચાલી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ બાકી રહેલા મતદારોને પણ સમયસર મતદાન મથકે પહોંચી, લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે પોતાનો પવિત્ર મત અચૂક આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.



