KUTCHMUNDRA

મુંદરા તાલુકાની આશા બહેનોની જાહેર જનતાને અપીલ અને સ્પષ્ટતા

લાલચ આપનાર તત્વોથી સાવધ રહેવા આશા યુનિયન મુંદરાનો અનુરોધ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

મુંદરા તાલુકાની આશા બહેનોની જાહેર જનતાને અપીલ અને સ્પષ્ટતા

લાલચ આપનાર તત્વોથી સાવધ રહેવા આશા યુનિયન મુંદરાનો અનુરોધ

​મુંદરા, તા. 26:
​તાજેતરમાં વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયામાં મુંદરા તાલુકાની એક આશા કાર્યકર બહેન દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદ અને તે અંગેની પ્રેસનોટ વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તેના સંદર્ભે આશા યુનિયન, મુંદરા તાલુકા દ્વારા એક મહત્વપૂર્ણ ખુલાસો અને અપીલ કરવામાં આવે છે.
​આ વિવાદ અને પોલીસ ફરિયાદમાં જે વ્યક્તિનું નામ સામે આવ્યું છે તેના વિશે આશા યુનિયન દ્વારા તાલુકા આરોગ્ય કચેરીમાં તપાસ કરવામાં આવતા જવાબદાર કર્મચારીઓ દ્વારા રેકોર્ડ તપાસીને ખાતરીપૂર્વક જણાવવામાં આવ્યું છે કે આરોપી પ્રકાશભાઈ ચનાભાઈ મહેશ્વરી મુંદરા તાલુકાના આરોગ્યતંત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ રીતે સંકળાયેલ નથી અને આરોગ્ય વિભાગના કર્મચારી નથી. કોઈ પણ હોદ્દો ધરાવતો ન હોવા છતાં કોઈ પણ વ્યક્તિ આશા બહેનને હોદ્દાની લાલચ આપે તો તે તદ્દન ખોટું છે અને આવી લાલચમાં ન આવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
​આ પોલીસ ફરિયાદ અત્યંત અંગત બાબત છે અને તેની તપાસ ચાલુ છે સત્ય ચોક્કસ બહાર આવશે પરંતુ ત્યાં સુધી કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લેતા પીડિતાનું નામ ગોપનીય રાખવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ આ એક ઘટનાને આધારે મુંદરા તાલુકાની તમામ સેવાભાવી આશા બહેનોને શંકાની નજરે જોવી તે અયોગ્ય છે. તાલુકાની અન્ય તમામ આશા બહેનો પોતાના ફિલ્ડમાં પ્રામાણિકતા અને નિષ્ઠાથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડી રહી છે. જ્યારે તેઓ ફિલ્ડમાં કામ કરી રહી હોય ત્યારે લોકોએ અવિશ્વાસ ઊભો કરવાની બદલે સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
​આશા યુનિયન દ્વારા અન્ય તમામ આશા બહેનોને પણ સલાહ આપવામાં આવે છે કે જો કોઈ પણ અજાણ વ્યક્તિ તેઓને હોદ્દાની લાલચ આપે કે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે તો તેની વાત માની લેવાને બદલે સૌ પ્રથમ પોતાના ફેસેલિટેટર અથવા તાલુકા આરોગ્ય કચેરીએ રૂબરૂ આવીને ખરાઈ કરવી જોઈએ. જેથી આવી કોઈ છેતરપિંડી કે અઘટિત ઘટનાનો ભોગ બનતા બચી શકાય.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!