MORBI:મોરબી સામાકાંઠે સમાજસેવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ





MORBI:મોરબી સામાકાંઠે સમાજસેવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

મોરબી: શહેરના સામાકાંઠે વિસ્તારમાં સામાજિક સેવા અને રાજકીય વર્ચસ્વની બાબતે મનદુઃખ રાખી એક રિક્ષાચાલક યુવક પર બે શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મોરબી-૨ માં આવેલી માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ. ૪૪) એ આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રામજીભાઈ વિસ્તારમાં સમાજસેવાના કામો કરે છે અને સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય કરે છે. બીજી તરફ, આરોપી પૈકીના એક જયુભાઈના પિતા રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય, રામજીભાઈની આ લોકપ્રિયતા અને કામગીરી આરોપીઓને પસંદ નહોતી.
ચૂંટણીલક્ષી સભાઓમાં આગેવાની કરવા અને સમાજસેવા બાબતે જૂનું મનદુઃખ રાખીને આરોપી મગનભાઈ નાનજીભાઈ સોલંકી તથા જયુભાઈ ગૌતમભાઈ સોલંકીએ રિક્ષાચાલકને આંતરી જાહેર માં ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા બંને શખ્સોએ રામજીભાઈને ઢીકાપાટુનો મુંઢ માર મારી પગના ભાગે ઇજાઓ પહોંચાડી હતી.પોલીસ આરોપી મગનભાઈ નાનજીભાઈ સોલંકી અને જયુભાઈ ગૌતમભાઈ સોલંકી.ગુનો નોંધીને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.


