NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનું ગૌરવ: અમલસાડ ચીકુને GI ટેગ મળતાં દક્ષિણ ગુજરાતની કૃષિ શક્તિ ચમકી…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

અમલસાડ ચીકુનો મીઠો ગૌરવગાન : GI ટેગથી ખેડૂતોને સમૃદ્ધિ અને વિશ્વમાં આગવી ઓળખ

“અમલસાડ ચીકુ” ને GI ટેગ મળવો સમગ્ર નવસારી વિસ્તારના ખેડૂતો માટે ગૌરવ અને ગર્વની ક્ષણ છે”

– આશિષ નાયક (સેક્રેટરી-અમલસાડ કાર્યકારી સહકારી મંડળી)

****

 

 દક્ષિણ ગુજરાતની મીઠી ઓળખ સમાન “અમલસાડ ચીકુ”ને ભૌગોલિક માનાંકન (Geographical Indication – GI) ટેગ પ્રાપ્ત થતાં નવસારી, ગણદેવી, અમલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. સુરતમાં આગામી  ૧ અને ૨ મે યોજાનાર Vibrant Gujarat Regional Conference પૂર્વે આ સિદ્ધિને કૃષિ, વેપાર અને રોકાણ ક્ષેત્ર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.

GI ટેગ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારના વિશિષ્ટ ગુણવત્તાવાળા, પરંપરાગત અને આગવી ઓળખ ધરાવતા ઉત્પાદનોને આપવામાં આવે છે. “અમલસાડ ચીકુ”ને આ માન્યતા મળતાં હવે તે માત્ર સ્થાનિક ફળ નહીં, પરંતુ વૈશ્વિક બજારમાં દક્ષિણ ગુજરાતની બ્રાન્ડ ઓળખ તરીકે ઉભરશે.

 દક્ષિણ ગુજરાતની મીઠી ઓળખ સમાન “અમલસાડ ચીકુ”ને ભૌગોલિક માનાંકન (Geographical Indication – GI) ટેગ પ્રાપ્ત થતાં સમગ્ર નવસારી, ગણદેવી અને અમલસાડ વિસ્તાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. GI ટેગ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારના વિશિષ્ટ ગુણવત્તાવાળા, પરંપરાગત અને આગવી ઓળખ ધરાવતા ઉત્પાદનોને આપવામાં આવે છે. આ માન્યતા મળતાં હવે “અમલસાડ ચીકુ”ને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક બજારમાં નવી અને મજબૂત ઓળખ મળશે.

ભારતમાં GI ટેગ વ્યવસ્થા વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમો અનુસાર અમલમાં આવી હતી. હાલમાં દેશમાં કુલ ૬૦૫ વસ્તુઓ GI ટેગ મેળવી ચૂકી છે. ગુજરાત રાજ્યને અત્યાર સુધી ૨૮  GI ટેગ મળ્યા છે, જેમાં ગીર કેસર, ભાલિયા ઘઉં અને કચ્છ ખારેક પછી હવે કૃષિક્ષેત્રમાં “અમલસાડ ચીકુ”નું નામ ગૌરવપૂર્વક જોડાયું છે.

“અમલસાડ ચીકુ” માટે GI ટેગની અરજી વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી કાઉન્સિલ (GUJCOST) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. નિષ્ણાતો, સંશોધકો અને ખેડૂતોના સહકારથી વર્ષ ૨૦૨૦ માં તૈયાર કરાયેલી અરજીને GI રજિસ્ટ્રી ઓફિસ, ચેન્નાઈએ તા. ૨૭  માર્ચ, ૨૦૨૫ ના રોજ મંજૂરી આપી હતી.

અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળીના સેક્રેટરી શ્રી આશિષ નાયકે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “અમલસાડ ચીકુ”ને GI ટેગ મળવો સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે ગૌરવ અને ગર્વની ક્ષણ છે. વર્ષોથી ખેડૂતોની મહેનત, ધરતીની ઉર્વરતા અને ચીકુની અનોખી ગુણવત્તાને મળેલું આ સન્માન સમગ્ર દક્ષિણ ગુજરાત માટે અભિમાન સમાન છે. આ માન્યતા મળવાથી અહીંના ખેડૂતોને વધુ સારો ભાવ, આર્થિક લાભ અને નવા બજારોના દ્વાર ખુલશે. સાથે જ “અમલસાડ ચીકુ”ને દેશ-વિદેશમાં આગવી ઓળખ પ્રાપ્ત થતાં વિશ્વફલક પર આ વિસ્તારનું નામ વધુ તેજસ્વી બનશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ, નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી કાઉન્સિલ (GUJCOST) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી સુવ્યવસ્થિત અને પ્રશંસનીય કામગીરીનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

અમલસાડ ચીકુનો સ્વાદ, સુગંધ, નરમ માવો અને વિશિષ્ટ ગુણવત્તા તેને અન્ય ચીકુથી અલગ બનાવે છે. આ જ આગવી ઓળખના કારણે તેને GI ટેગ મળ્યો છે. આ ટેગ મળવાથી દેશ-વિદેશમાં “અમલસાડ ચીકુ”ની માંગ વધશે અને સીધો લાભ ચીકુ ઉગાડતા ખેડૂતોને મળશે.

ગુજરાતમાં સૌપ્રથમ ચીકુની ખેતી વર્ષ ૧૯૨૪-૨૫  દરમિયાન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે શરૂ થઈ હતી. ખેડૂત અને વેપારી શ્રી ગુલાબભાઈ ડાહ્યાભાઈ દેસાઈ તથા તેમના મિત્ર શ્રી ફકીરભાઈ મહેતાએ આ પ્રદેશની જમીન અને આબોહવા અનુકૂળ હોવાનું જોઈ ચીકુનું વાવેતર શરૂ કર્યું હતું. આઝાદી પહેલાં આ વિસ્તારના ચીકુ પાકિસ્તાનના લાહોર અને કરાંચી સુધી મોકલાતા હતા. આજે પણ ૯૦ વર્ષથી વધુ જૂનાં ચીકુનાં વૃક્ષો આ ઇતિહાસના સાક્ષી બની ઉભાં છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીએ પણ ચીકુ પાક માટે મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું છે. રાયણના મૂળકાંડ ઉપર વિશ્વમાં સૌપ્રથમ વખત ચીકુની કલમ કરવામાં આવી હતી. જીવાત નિયંત્રણ, કોલ્ડ ચેન વ્યવસ્થાપન, ચીકુના ગોળ, ચિપ્સ, પાઉડર જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો વિકસાવવામાં આવ્યા છે. આ તમામ સંશોધન કાર્ય GI ટેગ મેળવવામાં ઉપયોગી સાબિત થયું છે.

દેશમાં ચીકુનું સૌથી મોટું ઉત્પાદન આપતો નવસારી જિલ્લો આજે નવી ઓળખ સાથે ઉભો છે. “અમલસાડ ચીકુ”ના GI ક્ષેત્રમાં ગણદેવી તાલુકાના ૫૧  ગામો, જલાલપોર તાલુકાના ૬  ગામો અને નવસારી તાલુકાના ૩૦  ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તાર કુલ ઉત્પાદનમાં આશરે ૩૦  ટકા ફાળો આપે છે.

“અમલસાડ ચીકુ”ને મળેલો GI ટેગ માત્ર એક સન્માન નથી, પરંતુ ખેડૂતોની મહેનત, સંશોધકોની પ્રતિબદ્ધતા અને દક્ષિણ ગુજરાતની ધરતીની મીઠાશને મળેલી વૈશ્વિક ઓળખ છે. સુરતમાં યોજાનાર Vibrant Gujarat Regional Conference પૂર્વે આ સિદ્ધિ દક્ષિણ ગુજરાતના કૃષિ, ઉદ્યોગ અને નિકાસક્ષેત્ર માટે નવી દિશા દર્શાવે છે. હવે આ મીઠી ઓળખ વિશ્વના દરેક ખૂણે પહોંચશે.

Back to top button
error: Content is protected !!