WAKANER:વાંકાનેર દિવાલમાં પાણી ઉતરવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું, સામસામી ફરિયાદ





WAKANER:વાંકાનેર દિવાલમાં પાણી ઉતરવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું, સામસામી ફરિયાદ

શહેરના નવાપરા પુલના છેડે આવેલા દેવીપૂજક વાસમાં દિવાલમાં પાણી આવવા જેવી સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા (ઉ.વ. ૨૭) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરમાંથી બાજુમાં રહેતા તેમના કાકા ઝવેરભાઈના ઘરની દિવાલમાં પાણી ઉતરતું હતું. આ બાબતે આરોપીઓ કંચનબેન ભોજવીયા, ઝવેરભાઈ ભોજવીયા, જયંતિભાઈ ભોજવીયા અને આકાશ ભોજવીયાએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી હતી. આરોપીઓએ લાકડાના ધોકા વડે દિનેશભાઈ તથા જ્યોતિબેનને ઈજા પહોંચાડી હતી અને રાજેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો.
બીજી તરફ, ઝવેરભાઈ રાયસીંગભાઈ ભોજવીયા (ઉ.વ. ૪૫) એ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ભાઈ કેશુભાઈના ઘરમાંથી તેમની દિવાલમાં પાણી આવતું હોય, તેઓ પાણી ન આવે તે માટે ‘ચાંદી’ (પતરૂં) નાખવાનું કહેવા ગયા હતા. આ વાતનું મનદુઃખ રાખી આરોપીઓ જ્યોતિબેન, દિનેશભાઈ, કેશુભાઈ, રાજેશભાઈ અને રોહિતભાઈએ ભેગા મળી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈંટોના છૂટા ઘા મારતા ઝવેરભાઈ, મેહુલ, સંજય અને પૂજાબેનને ઈજાઓ પહોંચી હતી.વાંકાનેર સિટી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે હુમલો, ગાળાગાળી અને ઈજા પહોંચાડવા અંગેના ગુનાઓ નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.



