
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજ તાલુકા પંચાયતમાં સત્તા માટે જંગ, કોંગ્રેસે સભ્યોને ‘સેફ ઝોન’માં ખસેડ્યા – તોડજોડની રાજનીતિ દૂર રાખવા પ્રયત્નો
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે મેઘરજ તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપવા માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ પાસે સંખ્યાબળ વધુ હોવા છતાં રાજકીય જોડતોડને અટકાવવા માટે પક્ષ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે

માહિતી મુજબ કોંગ્રેસના જીતેલા ૧૧ સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો જણાવે છે કે ભાજપ તરફથી સત્તા કબજે કરવાની સંભાવિત રણનીતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ નિર્ણય લીધો છે. મેઘરજ તાલુકામાં ભાજપ પાસે ૧૦ બેઠકો છે, જ્યારે એક બેઠક અન્ય ઉમેદવાર પાસે છે, જેથી સત્તા માટે અંકગણિત અત્યંત રસપ્રદ બની છે.કોંગ્રેસના સભ્યોને જે સ્થળે ખસેડવામાં આવ્યા છે તે કોંગ્રેસ શાસિત રાજ્યમાં હોવાનું કહેવામાં આવે છે, જેથી કોઇપણ પ્રકારની રાજકીય હેરફેરથી બચી શકાય. વધુમાં, સભ્યો પાસેથી મોબાઇલ ફોન પણ લઈ લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જેથી બાહ્ય સંપર્ક મર્યાદિત રહે.તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સભ્યોને અજ્ઞાત સ્થળે જ રાખવાની યોજના છે. ભાજપની સત્તા મેળવવાની કોશિશ સામે કોંગ્રેસ હવે સંપૂર્ણ રીતે સતર્ક અને સક્રિય જોવા મળી રહી છે.આ સમગ્ર પરિસ્થિતિએ મેઘરજ તાલુકાની રાજનીતિમાં તણાવ અને ઉત્સુકતા બંને વધારી છે, હવે નજર આગામી ચૂંટણી પ્રક્રિયા પર ટકી રહી છે.




