સચિનમાં ‘ભ્રષ્ટાચાર’નું ગગનચુંબી મોડેલ: રહેણાંક પ્લોટ પર નિયમોના ચીરેચીરા ઉડાવી પાંચ માળનું બાંધકામ ખડકાયું

સુરત મહાનગરપાલિકાના ઉધના (સાઉથ ઝોન-બી) વિસ્તારમાં આવતા સચિન-તલંગપોરામાં કાયદાનો ડર જાણે ઓગળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. મહેતાનગર સોસાયટીમાં બિલ્ડરોએ મનસ્વી રીતે પ્લોટો ભેગા કરી, પાલિકાના ઈજનેરોની રહેમનજર હેઠળ પાંચ માળનું ગેરકાયદેસર ‘જંગલ’ ઉભું કરી દીધું છે.
પ્લોટ નંબર 14, 15, 27 અને 28: ગેરકાયદે જોડાણનું ‘એપીસેન્ટર’
મળતી ચોંકાવનારી વિગતો મુજબ, સર્વે બ્લોક નંબર 253/B માં આવેલા આ ચાર પ્લોટમાં માત્ર રહેણાંક હેતુની સામાન્ય મંજૂરી મેળવવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે:
ચાર પ્લોટને કઈ રીતે જોડી દેવાયા? શું મર્જરની ફાઈલ પાસ થઈ છે?
પરમિશન રહેણાંકની અને બાંધકામનો દેખાવ કોમર્શિયલ જેવો!
સાંકડી ગલીઓમાં પાંચ માળ સુધી બાંધકામ લઈ જવાની હિંમત કોણે આપી?
અધિકારીઓ માટે ‘કડવા સવાલો’:
સીસીટીવી કે ચશ્મામાં ખામી? જ્યારે ઇમારતનો પહેલો માળ ચણાતો હતો ત્યારે ઝોનના ઇન્સ્પેક્ટરો ક્યાં હતા?
સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી: શું આટલી ઊંચી ઇમારત માટે પાયા મજબૂત છે? જો ભૂકંપ કે હોનારત સર્જાય તો નિર્દોષ પાડોશીઓના જીવનું શું?
સામાજિક અન્યાય: સામાન્ય માણસને નકશા પાસ કરાવવા માટે ઓફિસોના ધક્કા ખાવા પડે છે, તો આ બિલ્ડરો માટે ‘રેડ કાર્પેટ’ કેમ?
‘ચર્ચિત’ મૌન: વહીવટ કે મિલીભગત?
સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા છે કે આ બાંધકામ પાછળ કોઈ ‘મોટા માથા’ના આશીર્વાદ છે. સાઉથ ઝોન-બી ના અધિકારીઓ નાની નાની ડેરીઓ કે ઓટલા તોડવામાં શૂરવીરતા બતાવે છે, પરંતુ આ પાંચ માળની ઇમારત સામે મૌન સેવી રહ્યા છે, જે અનેક શંકાઓ જન્માવે છે.
ડ્રેનેજ-પાણીની આફત: પાંચ માળના લોડને કારણે આખી સોસાયટીની ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાનું જોખમ.
સલામતીનો અભાવ: ફાયર ફાઈટર પણ પ્રવેશી ન શકે તેવા સાંકડા વિસ્તારમાં ગગનચુંબી બાંધકામ.
શું સુરત મહાનગરપાલિકાના કમિશનર આ ગંભીર બેદરકારી બદલ સાઉથ ઝોન-બી ના જવાબદાર અધિકારીઓ સામે તપાસ બેસાડશે? કે પછી ‘સબ સલામત છે’ ના નામે આ અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઈઝ કરી દેવામાં આવશે? સચિનની જનતા હવે પાલિકાના ‘હથોડા’ની રાહ જોઈ રહી છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ







