હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલની અનોખી પહેલ
પ્રાથમિક શાળા સાહોલ ખાતે સૌથી વધુ હાજરી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી સન્માનિત કરાયા


સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલ ખાતે વેકેશનના અંતિમ દિવસે શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન નિયમિત હાજરી આપનાર અને સૌથી વધુ હાજરી મેળવનાર વિદ્યાર્થીઓનું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં નિયમિતતા, સમયપાલન અને અભ્યાસ પ્રત્યે રસ વધે તેવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ ડી.સોલંકી તેમજ શિક્ષકગણની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન સતત હાજરી આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વિદ્યાર્થીઓની પ્રશંસા કરવામાં આવી હતી.
શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે નિયમિત હાજરી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. શાળામાં રોજ હાજર રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે છે તેમજ શિસ્ત અને જવાબદારી જેવા ગુણોનો વિકાસ થાય છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષક પરિવારે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ભવિષ્યમાં પણ નિયમિત હાજરી જાળવવા પ્રેરણા આપી હતી. અન્ય વિદ્યાર્થીઓને પણ આવી સિદ્ધિ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં યોજાયો હતો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી.શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શિક્ષક પરિવારે સૌને શુભકામના પણ પાઠવી હતી.




