GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ધો. 10 અને 12 ની પરીક્ષાની પરિણામની તારીખ જાહેર કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામોની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા મુજબ ધોરણ 12ના સાયન્સ, કોમર્સ અને આર્ટસ ત્રણેય પ્રવાહ સાથે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 10નું પરિણામ 6 મેના રોજ બહાર પાડવામાં આવશે. આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં મળીને અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામ અંગે ઉત્સુકતા વધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 4 મેના રોજ ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવશે, જેમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ GUJCET-2026 તથા સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામો પણ એ જ દિવસે જાહેર થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ પરિણામોને લઈને ઉત્સુકતા વ્યાપી છે. બીજી તરફ, ધોરણ 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરવામાં આવનાર છે, જેને લઈને પણ રાજ્યભરમાં તૈયારીનો માહોલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને પરિણામ સરળતાથી મેળવવા માટે નવી સુવિધાઓ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે. સાથે જ, ટેકનોલોજીનો ઉપયોગ વધારતા બોર્ડે વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા શરૂ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી તેમને વોટ્સએપ પર જ તરત પરિણામ મળી જશે. બોર્ડના આ પગલાથી વિદ્યાર્થીઓને ઝડપી, સરળ અને સુવિધાજનક રીતે પરિણામ પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમાં ધોરણ 10માં 9.07 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠા હતા, જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીને કારણે પરીક્ષા પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હોવાનું બોર્ડ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!