હાજી અહમદ મુન્શી આઈટીઆઈ ભરૂચ ખાતે સેમિકન્ડક્ટર કારકિર્દી વિષયક વિશેષ સત્રનું આયોજન






સમીર પટેલ, ભરૂચ
હાજી અહમદ મુન્શી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઈટીઆઈ), ભરૂચ ખાતે Kaynes Semicon Private Limited ના સહયોગથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કારકિર્દી અંગે વિશેષ નિષ્ણાત સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારની India Semiconductor Mission (ISM) અંતર્ગત વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્ર સાથે વિદ્યાર્થીઓને જોડવા માટે મહત્વપૂર્ણ રહ્યો.
આ સત્ર સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ દરમ્યાન યોજાયું હતું, જેમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, AOCP તથા RFM ટ્રેડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રમાં ડૉ. વસી ઉદ્દીન (હેડ – R&D) અને શ્રી આફતાબ આલમ (પ્રોગ્રામ મેનેજર – R&D) દ્વારા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનના મૂળભૂત મુદ્દાઓ, ક્લીનરૂમ પ્રોટોકોલ (Class 10k/1k) અને ESD (Electrostatic Discharge) સલામતી ધોરણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, Kaynes Semicon ના સાનંદ પ્લાન્ટમાં કારકિર્દી તકો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપાલ જુનૈદ ફોદા સાહેબના સ્વાગત ભાષણથી થઈ હતી, જેમાં તેમણે ઇન્ડસ્ટ્રી-ઇન્સ્ટિટ્યૂટ સહકારની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો.
આ અવસરે મહેમાનોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદીપસિંહ સાહેબ દ્વારા આફતાબ આલમનું સન્માન કરવામાં આવ્યું કેતન પટેલ દ્વારા ડૉ. વસી ઉદ્દીનનું સન્માન કરવામાં આવ્યું અલ્પેશ સોલંકી દ્વારા સૈફ આલમનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, આઈટીઆઈ હેડ આરીફ સાહેબ, પ્રિન્સિપાલ જુનૈદ ફોદા અને ઇરશાદ ગૌડ સાહેબ દ્વારા MOU, OJT (On Job Training) તથા Faculty Development Program સંબંધિત મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભવિષ્યમાં સંસ્થા અને ઉદ્યોગ વચ્ચે વધુ મજબૂત સહકાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સત્ર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયું હતું. આ કાર્યક્રમ દ્વારા પરંપરાગત ટેકનિકલ શિક્ષણ અને આધુનિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ વચ્ચેનું અંતર દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
સંસ્થાએ Kaynes Semicon Private Limited નો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.




