નવસારી જિલ્લામાં અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારની PASA હેઠળ અટકાયત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી પોલીસની કડક કાર્યવાહી હાથ ધરી અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર સિંહ લબાનાને PASA હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ ભેગો કર્યો.. નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. અપહરણ તથા ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારને “ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એક્ટિવિટીઝ એક્ટ, 1985 (PASA)” હેઠળ અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS)ના દિશાનિર્દેશ અનુસાર જિલ્લામાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અનુસંધાને નવસારી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “PASA” હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જલાલપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.પવાર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.જાડેજા દ્વારા મળેલી માહિતીના આધારે આરોપી મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર (લબાના) સામે ગંભીર ગુનાઓના આધારે “ભયજનક વ્યક્તિ” તરીકે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ આરોપી દ્વારા જમીન ખરીદીના બહાને લોકોને બોલાવી, પ્રાણઘાતક હથિયારની અણીએ અપહરણ કરી ખંડણી વસૂલવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવામાં આવતી હતી, જે સમાજ માટે ગંભીર ખતરો બની હતી.
પોલીસ દ્વારા તૈયાર કરાયેલ PASA દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવતા નવસારીના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી ક્ષિપ્રા આગ્રે દ્વારા આરોપીને “અસામાજિક તત્વ” અને “ભયજનક વ્યક્તિ” જાહેર કરી તેની અટકાયત માટે PASA વોરંટ જાહેર કરવામાં આવ્યો હતો.
વોરંટના અમલ માટે જલાલપોર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સુચિત કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે આરોપીને ઝડપી પાડી PASA હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી મુજબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.આરોપી મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર (લબાના), ઉંમર 42 વર્ષ, રહે. દેવસર સરદાર માર્કેટ રોડ, બીલીમોરા, તા. ગણદેવી, જી. નવસારીને “ભયજનક વ્યક્તિ” જાહેર કરી પાલારા ખાસ જેલ, મધ્યસ્થ જેલ ભુજ ખાતે કેદ તરીકે મોકલવામાં આવ્યો છે.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને ભંગ કરનાર તેમજ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ આવી જ કડક અને કાનૂની કાર્યવાહી અવિરત રાખવામાં આવશે.




