પંચમહાલમાં શિક્ષણ અભિયાનમાં ₹૨.૭૯ કરોડનું કૌભાંડ બોગસ બિલો અને અધિકારીઓની સહીથી આચરાઈ ઉચાપત

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી નાણાંની મોટાપાયે ઉચાપતનો સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં અંદાજે ₹૨.૭૯ કરોડથી વધુની રકમની ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૦૨૫ અને ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન આચરવામાં આવેલા આ કૌભાંડમાં કરાર આધારિત કર્મચારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મિલીભગત કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વાર્ષિક હિસાબોના ઓડિટ દરમિયાન સમગ્ર ગોટાળો પકડાઈ જતાં શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સમગ્ર શિક્ષા અભિયાનની પંચમહાલ કચેરીમાં ફરજ બજાવતા હિસાબી અધિકારી પૂજન જોશી અને QEM નિતિન પટેલ સામે આ ઉચાપત આચરવાનો ગંભીર આક્ષેપ છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે કોમ્પ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસના ઉપકરણો અને ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીના બહાને આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. જે-તે એજન્સીઓ પાસેથી ખરીદીના બોગસ બિલો રજૂ કરીને રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જાણ બહાર તેમની બોગસ સહીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે.
ચોંકાવનારી બાબત એ છે કે, સંડોવાયેલા કર્મચારીઓની બદલી થઈ ગઈ હોવા છતાં તેઓએ ઈન્ટરનેટ બેંકિંગનો દુરુપયોગ ચાલુ રાખ્યો હતો અને સરકારી નાણાં સીધા ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ કૌભાંડમાં રાજકોટની શ્રી રામ એન્ટરપ્રાઇઝ, વેદિકા એન્ટરપ્રાઇઝ, અક્ષર સેફ્ટી પ્રોડક્ટ અને ગોધરાની જે.એસ. કોમ્પ્યુટર જેવી એજન્સીઓની સંડોવણી હોવાનું સપાટી પર આવ્યું છે. હાલમાં તંત્ર દ્વારા આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી સમયમાં જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.







