
તા.૦૪.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dhanpur:ધાનપુર તાલુકાના પીપેરો ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના પીપેરો ગામે “ટીબી મુક્ત ભારત અભિયાન 2.0” અંતર્ગત “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ હેઠળ વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ચેપજન્ય બીમારીની વહેલી તકે ઓળખ કરી તેમને સમયસર અને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 156 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત લાભાર્થીઓને વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી સામાન્ય આરોગ્ય તપાસની સેવાઓ પણ એક જ સ્થળે પ્રદાન કરવામાં આવી, જેના કારણે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો હતો.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બી.પી. રમણના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મેડિકલ ઓફિસરો, પીએચસી સુપરવાઈઝરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો, મહિલા આરોગ્ય કાર્યકરો, આશા ફેસિલિટેટરો તથા આશા બહેનોનો સક્રિય સહયોગ મળ્યો હતો.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે આવા આરોગ્ય કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીઓની સમયસર ઓળખ કરી અસરકારક સારવાર શક્ય બને છે. આગામી સમયમાં પણ આવા કેમ્પોનું વ્યાપક આયોજન કરીને જનતા સુધી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.





