MORBI:મોરબીમાં શ્વાનનો આતંક: એક જ દિવસમાં ૨૦ થી વધુ લોકોને બચકા ભરતા શહેરીજનોમાં ફફડાટ





MORBI:મોરબીમાં શ્વાનનો આતંક: એક જ દિવસમાં ૨૦ થી વધુ લોકોને બચકા ભરતા શહેરીજનોમાં ફફડાટ

મોરબી: મચ્છુકાંઠાના મોરબી શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે એક પાગલ બનેલા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો. ટૂંકા ગાળામાં જ ૨૦ થી વધુ લોકોને શ્વાને બચકા ભરતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જી.આઈ.ડી.સી. અને ચિત્રકૂટ સોસાયટીમાં અચાનક શ્વાને રાહદારીઓ અને ઘર પાસે બેઠેલા લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં ૨૦ થી વધુ લોકો આ હુમલાનો શિકાર બન્યા હતા. ઈજાગ્રસ્તોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિકોની માંગ આ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રખડતા કૂતરાઓના ડબ્બા પૂરવામાં આવતા નથી.”અત્યારે બાળકોને બહાર મોકલતા પણ ડર લાગે છે. જો તંત્ર વહેલી તકે પાંજરે પૂરવાની કામગીરી નહીં કરે તો મોટી જાનહાનિ થવાની ભીતિ છે.” – એક સ્થાનિક રહેવાસી હાલમાં તમામ ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ પાલિકા તંત્ર આ મામલે ક્યારે જાગશે તે જોવું રહ્યું.



