
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર patel
મોડાસામાં નવીન બસ સ્ટેશનની ગ્રીલ તૂટી પડી, વાવાઝોડા એ કામગીરીની પોલ ખુલ્લી પાડી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને થોડી રાહત મળી, પરંતુ આ પવન સાથે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.માત્ર પાંચથી દસ મિનિટ સુધી ચાલેલા તીવ્ર પવનમાં મોડાસામાં તાજેતરમાં જ તૈયાર થયેલા આઇકોનિક બસ સ્ટેશનના પાછળના ભાગમાં લગાવવામાં આવેલી એલિવેશન ગ્રીલ અચાનક તૂટી પડી હતી. નોંધનીય છે કે આ આધુનિક બસ સ્ટેશનનું ઉદ્ઘાટન ગત એપ્રિલ મહિનામાં જ કરવામાં આવ્યું હતું, જેથી તાજેતરમાં બનેલી આ ઘટના ગુણવત્તા અંગે સવાલો ઊભા કરી રહી છે.
ગ્રીલ ધરાશાયી થતા સ્થળ પર દોડાદોડ મચી ગઈ હતી અને લોકોને થોડી ક્ષણ માટે ભયનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ બનાવે શહેરમાં ચર્ચાનો વિષય જગાવ્યો છે.વાવાઝોડાની તીવ્રતા જોતા શહેરના અન્ય વિસ્તારોમાં પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અચાનક આવેલા પવન અને વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે તાજેતરમાં બનાવવામાં આવેલી સુવિધાઓ કેટલી મજબૂત અને સુરક્ષિત છે.




