
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પાવતી નહીં, સલામતી આપો – ટ્રાફિક ઝુંબેશમાં દંડના બદલે ‘સુવિધા મોડેલ’ અપનાવવા હર્ષ સંઘવીને નાગરિકોની અપીલ
મુંદરા, તા. 6:
હાલમાં સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા માર્ગ સલામતી માટે જે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ્ય નિઃશંકપણે જનહિતનો છે પરંતુ તેની અમલવારીમાં માત્ર દંડાત્મક કાર્યવાહીને બદલે સેવાકીય અભિગમ અપનાવવાની પ્રબળ માંગ ઉઠી છે. જમીની હકીકત તપાસતા જણાય છે કે હેલ્મેટ, પીયુસી અને વીમા જેવા પાયાના સુરક્ષા સાધનોનો સંયુક્ત ખર્ચ અંદાજે ₹1,500 થી ₹3,000 જેટલો થાય છે (આઈ. એસ. આઈ. માર્ક હેલ્મેટ: 600 થી 1,200, પીયુસી : 60 થી 100 અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ : 700 થી 1,000) જ્યારે તેની સામે પોલીસ તંત્ર દ્વારા વસૂલવામાં આવતા દંડની રકમ 5,000 થી 10,000 સુધી પહોંચી જાય છે. આ પરિસ્થિતિમાં સામાન્ય જનતામાં એવી લાગણી જન્મી છે કે માત્ર દંડ કરવાથી કાયમી સુધારો લાવવો અશક્ય છે. તેના બદલે જો ઝુંબેશ દરમિયાન પોલીસ સ્થળ પર જ કોઈ એજન્સી કે સંસ્થાના સહયોગથી વ્યાજબી ભાવે હેલ્મેટ ઉપલબ્ધ કરાવે, પીયુસી કાઢી આપે અને વીમાની સુવિધા પૂરી પાડે તો વાહનચાલકને દંડની પાવતીને બદલે ખરેખર સુરક્ષા કવચ પ્રાપ્ત થશે.
ગુજરાતના યુવા અને નવતર પ્રયોગો માટે હંમેશા તત્પર રહેતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેઓ પોલીસ તંત્રમાં અનેક માનવીય અભિગમો લાવવા માટે જાણીતા છે તેઓ આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી જનતાની ઈચ્છા છે. લોકોની માંગણી અને વિશ્વાસ છે કે હર્ષ સંઘવીજી આ ‘દંડ નહીં, પણ સેવા’ના મોડેલને અમલી બનાવવા યોગ્ય નિર્ણય લેશે. જેથી સરકારની છબી વધુ ઉજ્જવળ બને અને પોલીસ તથા જનતા વચ્ચેના વિશ્વાસનો સેતુ મજબૂત થાય. જો દંડની રકમ કરતાં ઓછી કિંમતમાં સ્થળ પર જ જરૂરી સુરક્ષા સુવિધાઓ મળી રહે તો લોકો સ્વૈચ્છિક રીતે નિયમોનું પાલન કરશે અને માર્ગ અકસ્માતોમાં જીવ બચાવવાનો સરકારનો મૂળ ઉદ્દેશ્ય સાચા અર્થમાં સાર્થક થશે.
નવતર અભિગમથી થનારા ફાયદા :
જો પોલીસ તંત્ર આ ‘સેવા મોડેલ’ અપનાવે તો તેનાથી બહુવિધ ફાયદા થઈ શકે છે:
વાસ્તવિક સુરક્ષા: વાહન ચાલક પાસે માત્ર દંડની પાવતીને બદલે ખરેખર હેલ્મેટ અને વીમો હશે જે અકસ્માત સમયે તેનો જીવ બચાવશે.
સરકારની છબીમાં સુધારો: જનતામાં એવી છાપ દૂર થશે કે સરકાર માત્ર ફંડ ઉઘરાવવા માંગે છે. તેના બદલે સરકાર પ્રત્યે વિશ્વાસ વધશે.
કાયમી ઉકેલ:દંડ ભર્યા પછી પણ વ્યક્તિ હેલ્મેટ વગર ફરી શકે છે પરંતુ જો તેને હેલ્મેટ અપાવવામાં આવે તો નિયમનું કાયમી પાલન કરશે.
પર્યાવરણ રક્ષણ: સ્થળ પર પીયુસીની સુવિધાથી વાયુ પ્રદૂષણ ઘટાડવાના લક્ષ્યને વેગ મળશે.
અંતે નાગરિકોની એક જ અપીલ અને માંગ છે કે પોલીસ અને પ્રશાસન દંડની રકમના બદલે સેવાનો વિકલ્પ આપે જેથી “સલામત જીવન અને સુરક્ષિત સમાજ”નું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થઈ શકે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




