Rajkot: ૭ મે – વર્લ્ડ એથ્લેટિક્સ ડે : આ વર્ષની થીમ છે યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય અને તંદુરસ્તીને પ્રોત્સાહન

તા.૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : રાજકુમાર
ગુજરાતમાં યુવા એથ્લેટિક્સ ખેલાડીઓ માટે સુવર્ણ તક, રમતગમતને મળી નવી ગતિ
ખેલ મહાકુંભ, ઈન સ્કૂલ, ડી.એલ.એસ.એસ., હાઈ પરફોર્મન્સ સેન્ટર- સ્ટેટ એથલેટીક્સ એકેડમી સહિતના ટ્રેનિંગ સેન્ટરથી ગુજરાતના એથ્લેટિક્સ માટે આંતરરાષ્ટ્રીય ચેમ્પયયનશીપમાં ખુલ્યા દ્વાર
એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટ, મિડલ અને લોન્ગ ડીસ્ટન્સ દોડમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો – વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય કક્ષાએ ૪૫ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૫ મેડલ સાથે ૧૧ ખેલાડીઓનું પ્રતિનિધિત્વ
રાહુલ જાખર, કાજલ વાજા ૨૨ મી અંડર-૨૦ એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય
Rajkot: યુવાઓની ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતતા અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની થીમ સાથે આવતીકાલે તા. ૭ મેના રોજ ઉજવાતા ‘વર્લ્ડ એથ્લેટિક્સ ડે’ની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને ‘કિડ્સ એથ્લેટિક્સ ડે’ના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “પાવર ઑફ ફાઇવ” અભિયાનને વિશેષ રૂપે હાઈલાઈટ કરવામાં આવશે


‘વર્લ્ડ એથ્લેટિક્સ ડે’ના અવસરે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે સર્જાઈ રહેલા સકારાત્મક પરિવર્તનો સ્પષ્ટપણે જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં એથ્લેટિક્સ પ્રત્યે યુવાનોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે, જેના કારણે ગુજરાતમાંથી નવા પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે.


ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રના વિકાસ માટે વિવિધ પહેલો હાથ ધરતાં યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવ્યું છે. ખાસ કરીને હાલના પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરાવેલ ‘ખેલ મહાકુંભ’ અનેક ટેલેન્ટ માટે શક્તિશાળી પ્લેટફોર્મ સાબિત થયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ટેલેન્ટ બહાર આવી રહ્યું છે.


સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શિક્ષણ સાથોસાથ રમતગમત માટે પ્રોત્સાહિત કરતી ૮૦ થી વધુ ઈન સ્કૂલ, ૧૬ ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, તેમજ ૧ હાઈ પરફોર્મન્સ સેન્ટર સહિત ૪ સ્ટેટ એથલેટીક્સ એકેડમી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.


નડિયાદ સ્થિત હાઈ પરફોર્મન્સ સેન્ટર, એથલેટીક્સ એકેડમી ખાતે ‘સ્પ્રિન્ટ’, ‘જમ્પ’ એન્ડ ‘થ્રોસ’ ની ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે. એકેડમીમાં ૪૦ થી વધુ યુવાઓ તાલીમ લઇ રહ્યા છે. અહીંથી સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ખેલાડીઓ ભાગ લઇ ચુક્યા હોવાનું એથ્લેટિક્સ એક્સપર્ટ કોચ શ્રી શિવમ જણાવે છે.
ગુજરાતી નવયુવાઓનું એથ્લેટિક્સમાં પ્રદાન
ગુજરાતના ખેલાડીઓએ હાલમાં કર્ણાટક ખાતે ૨૧ મી નેશનલ જુનિયર અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. રાહુલ જાખરે ડેકથાલોનમાં સિલ્વર, ઋષિરાજસિંહ ગોહિલે ૨૦૦ મી. દોડમાં સિલ્વર, જયારે કાજલ વાજા ૧૦૦ મી. દોડમાં અને રમીલા સોલંકીએ ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાંથી રાહુલ જાખર, કાજલ વાજા હોંગકોંગ ખાતે યોજાનાર ૨૨ મી એશિયન ચેમ્પિયનશિપ અંડર-૨૦ માં ક્વોલિફાય થયા છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માં રાષ્ટ્રીય કક્ષાએ ૧૧ ગોલ્ડ, ૧૨ સિલ્વર તેમજ ૨૨ બ્રોન્ઝ મેડલ્સ મળીને કુલ ૪૫ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૧૧ ખેલાડીઓએ સફળતાપૂર્વક ભાગ લઇ ૫ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતે એથલેટીક્સમાં માત્ર લાંબી નહી ઉંચી હરણફાળ ભરી છે તેમ ચોક્કસ કહી શકાય.
રમતગમત ક્ષેત્રે રાજ્ય સરકારનું પ્રદાન
આ સાથે રાજ્યમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ નવા સ્ટેડિયમ, રનિંગ ટ્રેક અને કોચિંગ સેન્ટર્સ ઉભા થવાથી ખેલાડીઓને સ્થાનિક સ્તરે જ સારી સુવિધાઓ મળી રહી છે.
સરકાર દ્વારા ખેલાડીઓને સ્કોલરશિપ, તાલીમ, ડાયેટ સપોર્ટ અને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે, જેનાથી યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એથ્લેટિક્સનું મહત્વ
આજના ડિજિટલ યુગમાં, જ્યાં યુવાનોમાં સ્થિર જીવનશૈલી વધતી જાય છે, ત્યાં એથ્લેટિક્સ જેવી રમતો તેમને ફિટનેસ અને સકારાત્મક જીવનશૈલી તરફ દોરી રહી છે. “ફિટ ગુજરાત, ફિટ ઇન્ડિયા” ના મંત્ર સાથે ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ડે માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ ગુજરાતના યુવાનોને દોડવા, જીતવા અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવાની પ્રેરણા પુરી પાડશે તેમ ચોક્કસ કહી શકાય.




