MORBI:મોરબી ચોરીના બાઈક સાથે રીઢો વાહનચોર પાવડીયાળી કેનાલ પાસેથી ઝડપાયો





MORBI:મોરબી ચોરીના બાઈક સાથે રીઢો વાહનચોર પાવડીયાળી કેનાલ પાસેથી ઝડપાયો

મોરબી: જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા માટે એસઓજી (Special Operations Group) ટીમ એક્શનમાં છે. આ દરમિયાન એસઓજીની ટીમે પાવડીયાળી કેનાલ પાસેથી એક શખ્સને નંબર વગરના ચોરાઉ મોટર સાયકલ સાથે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી અગાઉ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.

મોરબી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ જ્યારે મોરબી-જેતપર રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે પાવડીયાળી કેનાલ નજીક એક કાળા રંગના નંબર વગરના સ્પ્લેન્ડર બાઈક સાથે એક યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી બાઈકના કાગળો માંગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો.
પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી બાઈકના એન્જિન અને ચેસીસ નંબર ચેક કરતા જાણવા મળ્યું હતું કે, આ મોટર સાયકલનો અસલી નંબર GJ-12-BC-9121 છે. તપાસમાં આ બાઈક ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું સાબિત થતા પોલીસે રૂ. ૨૦,૦૦૦ ની કિંમતનું મોટર સાયકલ કબ્જે કર્યું હતું.પકડાયેલ આરોપીની ઓળખ ઉશ્માનભાઈ કાસમશા શેખ (ઉં.વ. ૩૩, રહે. પ્રાગપર, તા. રાપર, જી. કચ્છ) તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ આરોપી સામાન્ય ચોર નથી, પરંતુ તેના વિરુદ્ધ અગાઉ:અંજાર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ (IPC 307) નો ગુનો નોંધાયેલ છે.ભુજ વિસ્તારમાં પણ વાહન ચોરીના ગુનામાં તેની સંડોવણી રહી ચૂકી છે.મોરબી એસઓજીએ આરોપીની અટકાયત કરી વધુ તપાસ અર્થે તેને મોરબી તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.




