MORBI:મોરબીમાં રખડતા શ્વાનોનો આંતક હવે જીવલેણ: કારખાનામાં મજૂર પરિવારના ૮ વર્ષના માસૂમ બાળકને બચકા ભરેલી લેતા મોત





MORBI:મોરબીમાં રખડતા શ્વાનોનો આંતક હવે જીવલેણ: કારખાનામાં મજૂર પરિવારના ૮ વર્ષના માસૂમ બાળકને બચકા ભરેલી લેતા મોત

મોરબી: મોરબીમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે હદ વટાવી ચૂક્યો છે. શહેરના જેતપર રોડ પર આવેલ એક કારખાનામાં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ૮ વર્ષના બાળક પર શ્વાનોએ જીવલેણ હુમલો કરતા માસૂમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં ભારે અરેરાટી સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી-જેતપર રોડ પર આવેલા ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં મજૂરી કામ કરતા કૃપાલભાઈ માલવિયાનો ૮ વર્ષીય પુત્ર કૃણાલ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ બહાર સૂતો હતો. મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં જ્યારે તે જાગીને રૂમમાં જઈ રહ્યો હતો, ત્યારે રખડતા શ્વાનોએ તેના પર હિંસક હુમલો કર્યો હતો.
શ્વાનોએ બાળકના શરીર પર ગંભીર રીતે બચકા ભરતા અને લોહીલુહાણ કરી નાખતા માસૂમ કૃણાલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી મોરબીના જીઆઇડીસી વિસ્તાર અને ચિત્રકુટ સોસાયટી આસપાસ શ્વાનોનો ભારે આંતક જોવા મળી રહ્યો છે. દરરોજ ૧૦થી ૨૦ લોકોને શ્વાનો શિકાર બનાવી રહ્યા હોવા છતાં, પાલિકા કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.




