GUJARAT

ગૌમાતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવાની માંગ સાથે ડાંગ જિલ્લામાં વિશાળ જનઆંદોલન..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સુબીર તાલુકાઓમાં ગૌમાતાને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની માંગ સાથે આજે ગાય સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વિશાળ જનઆંદોલન યોજાયુ હતુ.સંત સમાજ, મહંતો, ગૌરક્ષકો, પશુપાલકો, ગાયપ્રેમીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો આ અભિયાનમાં જોડાયા હતા.વઘઈ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગૌવંશની પૂજા-આરતી સાથે પદયાત્રા યોજાઈ હતી.ગાયના વાછરડાને આગળ રાખી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.ત્યારબાદ માનનીય રાષ્ટ્રપતિને સંબોધીને તાલુકા મામલતદારોને લેખિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ.આવેદનપત્રમાં ગૌવંશની હાલની દયનીય સ્થિતિ, ગૌહત્યા, ગાયોની તસ્કરી, રસ્તા અકસ્માતો તથા પોલીથીનના કારણે થતી મૃત્યુ જેવી ગંભીર સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.સાથે જ ગૌવંશના રક્ષણ માટે “કેન્દ્રીય ગાય સેવા અને સંરક્ષણ અધિનિયમ” અમલમાં મૂકવા, ગૌહત્યાને બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવા, ગાયને “રાષ્ટ્રમાતા” અથવા “રાષ્ટ્ર આરાધ્યા” તરીકે બંધારણીય માન્યતા આપવા, દરેક જિલ્લામાં આદર્શ ગૌશાળાની સ્થાપના તેમજ હાઇવે પર ગૌ-એમ્બ્યુલન્સ અને ટ્રોમા સેન્ટરો શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી.આ અભિયાનમાં જોડાયેલા ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે ભારતની કૃષિ, સંસ્કૃતિ અને ગ્રામિણ અર્થતંત્રમાં ગૌવંશનું અદ્વિતીય સ્થાન રહ્યું છે. ગાય આધારિત કુદરતી ખેતી અને પંચગવ્ય સંશોધનને પ્રોત્સાહન આપવાથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે.સંત સમાજે જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ, આરોગ્ય અને પર્યાવરણની જીવંત ઓળખ છે. ગૌવંશના રક્ષણ માટે સરકાર તાત્કાલિક કડક અને અસરકારક પગલાં ભરે તેવી માંગ સાથે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોએ લોકજાગૃતિ અને જનસમર્થનની નવી લહેર ઊભી કરી હોવાનું જોવા મળ્યું હતુ..

Back to top button
error: Content is protected !!