MORBI:મોરબી પંચાસર રોડ-સાવરની પાળ વિસ્તારમાં રહેતા પરિવારોને ખાલી કરાવવાની નોટિસ મામલે રહેવાસીઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આવેદન





MORBI:મોરબી પંચાસર રોડ-સાવરની પાળ વિસ્તારમાં રહેતા પરિવારોને ખાલી કરાવવાની નોટિસ મામલે રહેવાસીઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આવેદન


મોરબી શહેરના પંચાસર રોડ સ્થિત સાવરની પાળ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ માનવ અધિકાર કમિશનરશ્રી, મોરબી મહાનગરપાલિકાને આવેદન પાઠવી ખાલી કરાવવાની કાર્યવાહી સ્થગિત રાખવા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.
આવેદનમાં જણાવ્યા મુજબ, મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં રહેતા લોકોને નોટિસ આપી મકાનો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. રહેવાસીઓના કહેવા મુજબ, તેઓ છેલ્લા અનેક વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યા છે અને અંદાજે 300 જેટલા મકાનો ઉભા કરવામાં આવ્યા છે.

રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે વિસ્તારમાં રહેતા લોકોમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનો સમાવેશ થાય છે. અચાનક મકાન ખાલી કરવાની કાર્યવાહીથી પરિવારો સામે રહેવા, રોજગાર, બાળકોના શિક્ષણ અને મહિલાઓની સુરક્ષા જેવા પ્રશ્નો ઊભા થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
આવેદનમાં રહેવાસીઓએ માંગ કરી છે કે તમામ રહેવાસીઓનું પુનઃ સર્વે કરી યોગ્ય હકીકતના આધારે નિર્ણય લેવામાં આવે. સાથે જ સરકારની આવાસ યોજનાઓ હેઠળ યોગ્ય લાભાર્થીઓને તાત્કાલિક મકાન ફાળવવા અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે.

રહેવાસીઓએ વધુમાં જણાવ્યું છે કે કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં રહેવાસીઓ સાથે બેઠક યોજી માનવતાપૂર્ણ અને કાયદેસર ઉકેલ લાવવામાં આવે. શાળા જતા બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો તથા મહિલાઓને ધ્યાનમાં રાખી માનવ અધિકાર અને જીવનજરુરિયાતોને પ્રાથમિકતા આપવા પણ માંગ કરવામાં આવી છે.
આવેદનના અંતે રહેવાસીઓએ જણાવ્યું છે કે સામાન્ય નાગરિકોના રહેઠાણ અને જીવનજરુરિયાતોને ધ્યાનમાં રાખી યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે તેવી તેઓ આશા રાખે છે.




