KUTCHMUNDRA

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ૧૧મો વાર્ષિક પદવીદાન સમારોહ અમદાવાદ ખાતે યોજાયો

મુંદરાના 7 વિદ્યાર્થીઓ સહિત કચ્છના 20 વિદ્યાર્થીઓ ઝળક્યા 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

(અહેવાલ : તિતિક્ષા પ્રકાશ ઠક્કર દ્વારા)

 

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ૧૧મો વાર્ષિક પદવીદાન સમારોહ અમદાવાદ ખાતે યોજાયો

 

મુંદરાના 7 વિદ્યાર્થીઓ સહિત કચ્છના 20 વિદ્યાર્થીઓ ઝળક્યા 

 

 

અમદાવાદ/મુંદરા, તા. 8: 

તાજેતરમાં છારોડી, અમદાવાદ ખાતે યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા કશ્યપ સભાગૃહમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ૧૧મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

પદવીદાન સમારોહમાં કુલ 22,770 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક દેખાવ કરનાર 37 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, 40ને રજતચંદ્રક અને 41ને પ્રમાણપત્રો મળી કુલ 118 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવીને કચ્છના 7 વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક તથા 6 વિદ્યાર્થીઓએ રજતચંદ્રક અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર 7 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એમ કુલ 20 વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા હતા. જે કચ્છ માટે ગૌરવભરી ક્ષણ રહી હતી. એમાંય 4 મેડલ (1 ગોલ્ડ, 3 સિલ્વર) અને 3 પ્રમાણપત્ર મેળવી મુંદરાની કેનિયા એન્ડ એન્કરવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેન્દ્રને સતત બીજા વર્ષે કચ્છમાં મોખરાનું સ્થાન અપાવવા બદલ 7 વિદ્યાર્થીઓને કેન્દ્ર સંચાલક ડો. કૈલાશ નાંઢાએ અભિનંદન પાઠવ્યા હતા. આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાલાલ દેવજીભાઈ આહીર તથા માનદમંત્રી કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમારે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા. કચ્છના 20 માંથી 19 દીકરીઓએ સિધ્ધિ મેળવી મહિલા સશક્તિકરણ અભિયાનનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

આ વર્ષે પી. એચ. ડી. સહિત 12008 સ્નાતક, 5636 અનુસ્નાતક, 30 પીજી ડિપ્લોમા, 1041 ડિપ્લોમા અને 4054 સર્ટિફિકેટ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કર્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ ડો. અમી ઉપાધ્યાયે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કુલાધિપતિ સમક્ષ યુનિવર્સિટીની સિધ્ધિ અને સન્માનનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો.

અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા રાજ્યપાલએ વાર્ષિક કામગીરીથી પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ડૉ. બાબાસાહેબે બાલ્યકાળમાં સામાજિક ભેદભાવોનો કપરો સામનો કર્યો હતો. સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિવાદના ભેદભાવો એ ગંભીર દૂષણ છે.” તેમણે વેદમંત્રોના વિપરીત અર્થઘટન દ્વારા સામાજિક વ્યવસ્થામાં પેસી ગયેલા વંશભેદને ટાંકતાં સ્પષ્ટ કર્યું કે, “ઈશ્વરનિર્મિત આ વિશ્વમાં જાતિવાદને કોઈ સ્થાન નથી. માનવતાવાદી અભિગમ સાથે બીજાના હૃદયનાં સ્પંદનોને સમજવા અને સામાજિક ઉન્નતિ કાજે આપણે સૌ એક જ પિતાનાં સંતાન હોવાની ભાવના કેળવવી અનિવાર્ય છે.” પદવીધારકોને આશીર્વચન પાઠવતાં તેમણે વૃક્ષારોપણ, જળસંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને ગૌવંશ-સંવર્ધન જેવાં સત્કાર્યોમાં સ્વને સમર્પિત કરી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના નારાને પરિપૂર્ણ કરવા કોઈ એક સંકલ્પ લઈ રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા આહ્વાન કરતા ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટીને વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ અપાવીને પરિવાર ભાવનાથી વિશ્વકક્ષાએ નામના અપાવનાર ડો.અમી ઉપાધ્યાય અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સારસ્વત અતિથિ સુશ્રી બેલા એમ. ત્રિવેદીએ દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું કે “ગુજરાત સરકારે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓનું પોતાના સમય અને સ્થળે જ્ઞાન મેળવવાનું સપનું સાકાર કર્યું છે.” તેમણે વર્તમાન સમયમાં આંગળીના ટેરવે વિશ્વભરની માહિતીને મિનિટોમાં મેળવી શકાય છે એમ જણાવી વિદ્યાર્થીઓ તેમાંથી સત્યનું અન્વેષણ કરી આંતરિક શક્તિઓને પ્રદીપ્ત કરે તેવા યથાર્થ શિક્ષણની અનિવાર્યતા સમજાવી હતી. વિદ્યાર્થીઓ પોતાની આત્મશક્તિને ઓળખીને મળેલા પદને પ્રકાશિત કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

સામાજિક સમરસતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષશ્રી કિશોર મકવાણાને રાજ્યપાલશ્રીના હસ્તે “ડો. બાબાસાહેબ આંબેડકર સમરસતા પુરસ્કાર-2026″થી સન્માનિત કરવામાં આવ્યા. સન્માનના પ્રતિભાવમાં કિશોરભાઈએ બાબાસાહેબે ઠક્કરબાપાને 1932માં લખેલ આઠ પાનાના પત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે બધુ કામ કાયદાથી નહીં, પરંતુ પ્રેમ અને આત્મીયતાથી ભાતૃભાવની ભાવના વિકસાવીને જ સાચા અર્થમાં સમાજમાં સમરસતા સ્થાપિત કરી શકાશે.

આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થી દીપક ચંદ્રકાંતભાઈ માણેકને ‘વિભા ભારતી ઉમાકાંત ઉપાધ્યાય સુવર્ણચંદ્રક’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા તથા વિશેષ વિદ્યાર્થિની અંજલિ પરમારને બી.કોમ.ની પદવી અર્પણ કરવામાં આવી. વર્ષ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે સર્વશ્રેષ્ઠ પ્રાદેશિક કેન્દ્ર તરીકે ‘રીજનલ સેન્ટર – પાટણ’ને સન્માનિત કરવામાં આવ્યું.

આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે સમારોહમાં યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઑફ મેનેજમેન્ટના સભ્યો, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તેમજ ગુજરાતના પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યુનિવર્સિટીના કા. કુલસચિવશ્રી ડો. ભાવિન ત્રિવેદીએ આભારદર્શન કર્યું અને રાજ્યપાલશ્રીની અનુમતિ મેળવી સમારોહનું વિધિવત્ સમાપન કરવામાં આવ્યું. ડો. નિગમ પંડ્યા દ્વારા શુધ્ધ ગુજરાતીમાં કરવામાં આવેલ સંચાલન સમારોહનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. ખાસ નોંધનીય બાબત એ રહી હતી કે 2 કલાકના કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ સન્માન માટે માત્ર 10 મિનિટ જ ફાળવીને સામુહિક સન્માન કરી ઝડપથી વિધિ આટોપી લેવાઈ હતી. એમાંય ડો. બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર જીવન સમરસતાને સમર્પિત હતું અને સમરસતાને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલા સમારોહમાં ઉદઘોષક દ્વારા નામની જાહેરાતમાં પ્રથમ અટક (જાતિ)નો ઉલ્લેખ કરતા હજુ પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક જાતિવાદ જીવીત છે તેનું અનાયાસે પ્રમાણ આપ્યાનું બુદ્ધિજીવીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ઉપરાંત અનિવાર્ય સંજોગોવસાત કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા આજના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા જેનો વસવસો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની આંખમાં જોવા મળ્યો હતો. 

 

—————————

કચ્છના સિધ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓની યાદી…

 

મુંદરાની કેનિયા એન્ડ એન્કરવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેન્દ્રના પ્રિયા હરદાસ ગઢવી (ગોલ્ડ), યશ્વીબેન મનોજભાઈ મોઢ (સિલ્વર), હસ્તી જીજ્ઞાશુભાઈ અંજારિયા (સિલ્વર), ભક્તિબેન ધનજીભાઈ બાંભણિયા (સિલ્વર) અને શ્રેયા તેજસભાઈ ગોર (પ્રમાણપત્ર), નાગશ્રીબેન દેવરાજ ગઢવી (પ્રમાણપત્ર), અનિતાબેન જેઠાલાલ મહેશ્વરી (પ્રમાણપત્ર).

 

આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ કેન્દ્રના રંજન ગોવિંદભાઈ પ્રજાપતિ (ગોલ્ડ), ગીતાબેન ઉમેશભાઈ હડિયા (સિલ્વર), ગરિમા ઉમેશ ભાંભાણી (સિલ્વર), રૂડાભાઈ રામજીભાઈ રબારી (પ્રમાણપત્ર), સાકર વાલાભાઈ ઝરૂ (પ્રમાણપત્ર).

 

ભુજના રિજનલ સેન્ટરના નિશા ગજરાજ યાદવ (ગોલ્ડ) જાનકી હરીશ હાલાઈ (ગોલ્ડ), ફોરમ દીપકભાઈ શાહ (પ્રમાણપત્ર). 

 

માંડવીની એસ. વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેન્દ્રના ઋત્વી પરબતભાઈ ચૌધરી (ગોલ્ડ), ફેમિદાબાનુ હુસેન મેમણ (ગોલ્ડ).

 

ભુજની જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ કેન્દ્રના શિવાની અશ્વિનભાઈ પારસીયા (ગોલ્ડ), હીરાબા સતુભા જાડેજા (સિલ્વર).

 

ભુજની મા આશાપુરા બી. એડ. કોલેજ કેન્દ્રના હેમાંગી સુરેશભારથી ગોસ્વામી (પ્રમાણપત્ર).

 

તસ્વીર : ગોપાલ મેઘરાજ ટાપરીયા


katchha_bhuj_lscCounterWise_Report_Final_GOLD_SILVER_CERTI

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

Back to top button
error: Content is protected !!