
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર લાકડા ચોરીને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે વઘઇ પોલીસને મોટી સફળતા મળી છે.વઘઇ પોલીસે બાતમીના આધારે ઉનાઇ રેન્જ વન વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તાપી જિલ્લાની હદમાંથી લાકડા ભરેલી પીક-અપ ગાડી ઝડપી પાડી છે.ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ સ્ટેશનનાં પી.આઇ.એ.એ.ચાવડાને બાતમી મળી હતી કે, વઘઇથી ઝાવડા જતાં રોડ પર રાયકસ ફોરેસ્ટ નાકાથી આગળ એક ખેતરમાં લાકડા ભરેલી ગાડી છુપાવવામાં આવી છે. આ બાતમી અંગે ઉનાઇ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રીના ચૌધરીને જાણ કરવામાં આવતા, પોલીસ અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે આંબાવાડીમાં તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની એક પીક-અપ (નંબર: MH-01-BR-1343) બીનવારસી હાલતમાં મળી આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી સાગી લાકડાના ૧૩ નંગ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- જેટલી આંકવામાં આવી છે.આ વિસ્તાર ડાંગ-તાપી જિલ્લાની હદમાં આવતો હોવાથી, પકડાયેલ સાગી લાકડાનો જથ્થો અને પીક-અપ ગાડી આગળની કાર્યવાહી માટે ઉનાઇ રેંજનાં આર.એફ.ઓ. રીના ચૌધરીને સોંપવામાં આવી છે..





