ARAVALLIMEGHRAJMODASA

શૂટ સ્પેસ બની લૂંટ સ્પેસ…!! ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈનો આક્ષેપ , અરવલ્લીનો ઉત્પલ પટેલ વિદેશ ફરાર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શૂટ સ્પેસ બની લૂંટ સ્પેસ…!! ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈનો આક્ષેપ , અરવલ્લીનો ઉત્પલ પટેલ વિદેશ ફરાર

રાજ્યમાં વધુ એક મોટું રોકાણ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામના વતની ઉત્પલ પટેલે ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં ડેટા સેન્ટરના નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડનો આંકડો 500 કરોડ સુધી પહોંચી શકે છે.

શું હતી ઠગાઈની મોડસ ઓપરેન્ડી?

ઉત્પલ પટેલે ગિફ્ટ સિટી, નોઈડા અને કાશ્મીરમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલીને લોકોને મોટા સપના બતાવ્યા હતા. તેણે કથિત રીતે એક ડેટા સેન્ટર બનાવીને તેમાં ‘ટેરા બાઈટ’ (TB) ભાડે આપવાની સ્કીમ શરૂ કરી હતી.રોકાણની લાલચ: 1 TB માટે ₹38,000નું રોકાણ કરાવવામાં આવતું હતું. રોકાણકારોને દર મહિને 1,650 ભાડું આપવાની ખાતરી આપવામાં આવી હતી.આ આકર્ષક સ્કીમમાં ફસાઈને ગુજરાત સહિત રાજ્ય બહારના સેંકડો લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું

ઓફિસને તાળા વાગતા ભાંડો ફૂટ્યો

ગિફ્ટ સિટીમાં આવેલી તેની ઓફિસને અચાનક તાળા વાગી જતાં અને રોકાણકારોને વળતર મળતું બંધ થતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે મૂળ ઇસરીનો ઉત્પલ પટેલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરીને પલાયન થઈ ગયો છે. એવી પણ ચર્ચા છે કે તે ચાર દિવસ પહેલા જ વિદેશ ભાગી ગયો છે. હાલ તેનું વતન ઇસરીનું ઘર પણ બંધ હાલતમાં છે.

હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને એવોર્ડ

ઉત્પલ પટેલ ખૂબ જ હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતો હતો અને BMW જેવી મોંઘીદાટ ગાડીઓનો શોખીન હતો. આશ્ચર્યની વાત એ છે કે તેણે ભૂતકાળમાં રાજ્યના અનેક મંત્રીઓના હસ્તે એવોર્ડ પણ મેળવ્યા છે, જેનો ઉપયોગ તે રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે કરતો હતો. હાલમાં છેતરાયેલા રોકાણકારોમાં ભારે રોષ છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!