
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત વઘઈ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીની રાહબરી હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.જે અનુસંધાને આજે વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન વઘઈ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ભંગુભાઈને મળેલી બાતમીના આધારે કુડકસ ગામ ખાતે ઇશ્વરભાઈ બહાદુરભાઈ ગાવિતના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી.રેઇડ દરમિયાન મકાનમાંથી એક દેશી હાથ બનાવટની ગેરકાયદેસર બંદુક મળી આવી હતી.પોલીસે આરોપી પાસે બંદુક રાખવા અંગેનો પાસ-પરમિટ માંગતા તે રજૂ કરી શક્યો નહોતો. જેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીની અટકાયત કરી હતી.આ મામલે વઘઈ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હથિયાર ધારાની કલમ 25(1)(A) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી..





