માહિતી કમિશનરની કચેરી દ્વારા પ્રકાશિત આ અંક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુંઝવણના પૂર વચ્ચે દીવાદાંડી સમાન સાબિત થશે



માહિતી કમિશનરની કચેરી દ્વારા પ્રકાશિત આ અંક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુંઝવણના પૂર વચ્ચે દીવાદાંડી સમાન સાબિત થશે
‘કારકિર્દી વિશેષાંક-૨૦૨૬’ જિલ્લાની માહિતી કચેરી ખાતેથી માત્ર રૂ. ૨૦ માં મેળવી શકાય છે
ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામો જાહેર થતાની સાથે જ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં અત્યારે એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે: “હવે આગળ શું?” માર્કશીટ હાથમાં આવતાની સાથે જ ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સેવતા વિદ્યાર્થીઓ ઘણીવાર માહિતીના અભાવે યોગ્ય દિશા પસંદ કરવામાં થાપ ખાઈ જતા હોય છે. આધુનિક યુગમાં તકોનું આકાશ વિસ્તર્યું છે, પરંતુ સાચી માહિતીના અભાવે વિદ્યાર્થીઓ મર્યાદિત ક્ષેત્રોમાં જ અટવાઈ જાય તેવું પણ બને! આ મુંઝવણનો સચોટ ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર હેઠળની માહિતી કમિશનરની કચેરી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘કારકિર્દી વિશેષાંક-૨૦૨૬’ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
માહિતી કમિશનરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વિશેષાંકમાં નિષ્ણાત લેખકો દ્વારા તૈયાર કરાયેલા ઊંડાણપૂર્વકના લેખોનો સમાવેશ થાય છે, જેમાં પરંપરાગત મેડિકલ અને એન્જિનિયરિંગ સિવાયના ઉભરતા નવા ક્ષેત્રો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ITI અને ડિપ્લોમા જેવા ટૂંકા ગાળાના રોજગારલક્ષી કોર્સની વિગતો પણ આ અંકમાં મળી રહેશે. એટલું જ નહિ, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સ્તરની ભરતી પરીક્ષાઓ વિષે પણ આ અંકમાં માહિતી આપવામાં આવી છે.
આ ઉપરાંત, ક્યાં ક્ષેત્રમાં જવું એ તો નક્કી છે પરંતુ એડમિશન કેવી રીતે લેવું તેની માહિતી ઘણીવાર વિદ્યાર્થીઓને મૂંઝવે છે. આ અંકમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન અને ઓફલાઇન પ્રક્રિયાની તબક્કાવાર સમજૂતી પણ આપવામાં આવી છે.
ઘણીવાર જોવા મળે છે કે વાલીઓ પોતાના સંતાનોને માત્ર એવા જ કોર્સમાં પ્રવેશ અપાવતા હોય છે જેના વિશે તેમને ખબર હોય, પરંતુ આ વિશેષાંક વાંચવાથી ખ્યાલ આવે છે કે આજના સમયમાં એગ્રીકલ્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિઝાઇનિંગ, પેરામેડિકલ અને સ્કીલ બેઝ્ડ લર્નિંગમાં પણ ભવ્ય કારકિર્દી બનાવી શકાય છે.
ગુજરાત સરકારના આ ભગીરથ પ્રયાસની સૌથી મોટી વિશેષતા તેની સુલભતા છે. આ મૂલ્યવાન અંક દરેક જિલ્લાની માહિતી કચેરી ખાતેથી માત્ર રૂ. ૨૦ માં મેળવી શકાય છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રુપમાં ખરીદી કરનારાઓ માટે પણ વિશેષ છૂટ આપવામાં આવી છે. ૧૦૦ થી વધુ નકલની ખરીદી પર ૩૦% અને ૫૦૦થી વધુ નકલની ખરીદી પર ૩૫% જેટલી માતબર રાહત મળવાપાત્ર છે. જે વિદ્યાર્થીઓ તેને ઓનલાઇન વાંચવા માંગતા હોય, તેમના માટે ગુજરાત માહિતી ખાતાની અધિકૃત વેબસાઇટ (https://gujaratinformation.gujarat.gov.in/) પર સોફ્ટ કોપી વિનામૂલ્યે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
“માહિતી એ શક્તિ છે” અને જ્યારે તે સાચા સમયે મળે ત્યારે તે જીવન બદલી નાખે છે. ‘કારકિર્દી વિશેષાંક-૨૦૨૬’ એ દરેક એવા વિદ્યાર્થીના ટેબલ પર હોવો જોઈએ જે પોતાના ભવિષ્ય પ્રત્યે ગંભીર છે. જો તમે પણ તમારા સંતાન કે વિદ્યાર્થીના ભવિષ્યને સુરક્ષિત અને યોગ્ય દિશામાં લઈ જવા માંગતા હોવ, તો આ વિશેષાંક વાંચવાનું અને વંચાવવાનું ચૂકશો નહીં.
જયંતિ પરમાર સાબરકાંઠા




