KUTCHMUNDRA

મુંદરાના મુઠ્ઠી ઊંચેરા માનવીની અજોડ પ્રમાણિકતા: ભૂલથી આવેલા 39,000 ગ્રાહકને પરત કરી ‘સત્યમ’ નામ સાર્થક કર્યું

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાના મુઠ્ઠી ઊંચેરા માનવીની અજોડ પ્રમાણિકતા: ભૂલથી આવેલા 39,000 ગ્રાહકને પરત કરી ‘સત્યમ’ નામ સાર્થક કર્યું

મુંદરા, તા. 9:
આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો ક્ષણિક સ્વાર્થ માટે નીતિ-નિયમો નેવે મૂકી દેતા હોય છે, ત્યારે કચ્છના મુંદરા શહેરમાં એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંદરાના જાણીતા વેપારી અને અગ્રણી સામાજિક કાર્યકર શ્રી રાજેન્દ્ર ગોપાલજી ભગદે (રાજુ સત્યમ) એ પોતાની સત્યનિષ્ઠા દ્વારા સાબિત કરી દીધું છે કે તેઓ ખરેખર મુંદરાના ‘મુઠ્ઠી ઊંચેરા માનવી’ છે.

શું હતો સમગ્ર કિસ્સો?

મુંદરાની મુખ્ય બજારમાં છેલ્લા 30 વર્ષથી ‘સત્યમ શ્રીખંડ’ના નામે સુપ્રસિદ્ધ વ્યવસાય ધરાવતા રાજુભાઈને ત્યાં ગુરુવારે રાત્રે એક ગ્રાહકે શ્રીખંડની ખરીદી કરી હતી. જેનું બિલ 390 થયું હતું, પરંતુ ગ્રાહકે ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે ભૂલથી 39,000 ટ્રાન્સફર કરી દીધા હતા. રાત્રિનો સમય હોવાથી અને ઉતાવળમાં હોવાને કારણે ગ્રાહકે રકમ ચકાસ્યા વગર જ ત્યાંથી વિદાય લીધી હતી.

પ્રમાણિકતાની પ્રતીતિ:

દિવસના અંતે જ્યારે રાજુભાઈએ વર્ષો જૂના અનુભવી વેપારીની જેમ પોતાના વ્યાપારનો રોજમેળ તપાસ્યો ત્યારે તેમને 39,000ની એક એન્ટ્રી ધ્યાને આવી. રકમમાં મોટી ભૂલ હોવાનું જણાતા તેમણે તુરંત જ પોતાની ડાયરીમાં આ બાબતની નોંધ લીધી. બીજી તરફ ગ્રાહકને પણ પોતાની ભૂલ સમજાઈ હતી પરંતુ ‘સત્યમ’ ની પ્રતિષ્ઠા એવી હતી કે ગ્રાહકને ખાતરી હતી કે તેમના નાણાં સુરક્ષિત છે. જ્યારે ગ્રાહક બીજા દિવસે દુકાને પહોંચ્યા ત્યારે રાજુભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર વધારાની તમામ રકમ ગ્રાહકને પરત કરી ‘સત્ય’ ના સંગાથી હોવાની પ્રતીતિ કરાવી હતી.

સેવા અને સત્યનો સંગમ :

રાજુ સત્યમ તરીકે જાણીતા રાજેન્દ્રભાઈ માત્ર વેપારમાં જ શુદ્ધતાના આગ્રહી નથી પરંતુ તેઓ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. તેમના પરિવારમાં સેવાનો આ વારસો પેઢી દર પેઢી જળવાયેલો છે. તાજેતરમાં જ તેમના નાનાભાઈ પ્રકાશભાઈ ઠક્કર (સત્યમ) મુંદરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 માંથી જંગી બહુમતી સાથે વિજેતા બન્યા છે જે તેમની લોકપ્રિયતા અને સેવાભાવનાનું પરિણામ છે. અગાઉ પ્રકાશભાઈના પત્ની તૃપ્તિબેન ઠક્કરે પણ પાંચ વર્ષ નગરસેવક તરીકે રહી અનેક લોકોના પ્રશ્નો ઉકેલ્યા હતા.

લોકમુખે પ્રશંસા:

મુંદરામાં ‘સત્યમ’ એટલે સ્વાદ, શુદ્ધતા અને વિશ્વાસનો પર્યાય. લોહાણા પરિવારના અને પૂજનીય જલારામ બાપાના પરમ ભક્ત એવા આ વેપારી પરિવારની પ્રમાણિકતાની આજે સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે વેપારમાં ગુણવત્તા અને વ્યવહારમાં આવી પારદર્શિતા જ આ પરિવારને સમાજમાં ‘મુઠ્ઠી ઊંચેરું’ સ્થાન અપાવે છે.

મળવા જેવો માણસ:

ખાસ કરીને શ્રીખંડના શોખીનો માટે તો ખરું જ, પણ અન્ય લોકોએ પણ એકવાર રાજુભાઈની મુલાકાત લેવી જોઈએ. તેઓ ખરેખર એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે જે કાળઝાળ ગરમીમાં પણ પોતાની શીતળતા અને સાદગીથી લોકોને ઠંડકનો અહેસાસ કરાવે છે. આજના સમયમાં આવા સત્યવાદી અને સેવાભાવી માણસને મળવું એ પણ એક લ્હાવો છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!