નવસારીમાં દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ: મહિલા પોલીસની ટીમે ચાર આરોપીને દબોચ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સુરત રેન્જ આઇજી પ્રેમવીરસિંહજી તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપાર અને અન્ય અસામાજિક પ્રવૃતિઓ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશનના પી.આઈ સુ.શ્રી વિ.કે. ઉંજીયાએ પોતાની ટીમ સાથે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
નવસારી રેલ્વે સ્ટેશન સામે આવેલ જનતા ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધાનો નવસારી મહીલા પોલીસ સ્ટેશનની ટીમે પર્દાફાશ કર્યો હતો. પોલીસે રેડ કરી હોટેલ માલિક સલીમ ગુલામ રસુલ શેખ, મેનેજર ચંદ્રકાંત નગીનદાસ વોરા તેમજ ગ્રાહક ચંદ્રકાંતભાઈ બાબુભાઈ ટંડેલ અને હેમંતકુમાર મોહનભાઈ ટંડેલને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.૧,૨૬,૫૬૦ રોકડા અને પાંચ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.
રેલ્વે સ્ટેશન જેવી જાહેર જગ્યાની સામે ચાલતા આવા ગોરખધંધાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સમાજને બગાડતા આવા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે




