હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજ પર થયેલા ગોળીબારમાં ગુજરાતના એક નાવિકનું કરૂણ મોત

દરિયાઈ માર્ગે દુબઈથી યમન જઈ રહેલા એક ભારતીય જહાજ પર થયેલા ગોળીબારમાં ગુજરાતના સલાયાના એક નાવિકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 નાવિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે હોર્મુઝની ખાડીમાં બની હતી જ્યારે ભારતનું આ જહાજ બે પક્ષો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ક્રોસફાયરિંગમાં ફસાઈ ગયું હતું.
મળતી માહિતી મુજબ, લાકડાનું બનેલું આ જહાજ જેનું નામ ‘અલ ફેઝ નૂર-એ-સુલેમાની 1’ છે, તે 7 મેના રોજ દુબઈથી યમનના મુક્કમ જવા રવાના થયું હતું. 8 મેના રોજ રાત્રે અંદાજે 1 વાગ્યે જ્યારે જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી રહ્યું હતું, ત્યારે અચાનક થયેલા ગોળીબારની ચપેટમાં આવી ગયું. આ જહાજમાં કુલ 18 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ઈન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશન (ગુજરાત) ના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ ઘટના અમેરિકા અને ઈરાનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણનું પરિણામ છે.
આ હુમલામાં જહાજના એન્જિન ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અલ્તાફ તાલાબ કેર (રહે. સલાયા, દેવભૂમિ દ્વારકા) નું મોત થયું છે. અન્ય ઘાયલ સભ્યોને 8 મેના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ અન્ય એક જહાજ ‘MSV પ્રેમ સાગર-I’ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને તે જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં દુબઈ પોર્ટ પર લાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ સતત તેમના સંપર્કમાં છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે હોર્મુઝની ખાડી હાલમાં સંઘર્ષનું કેન્દ્ર બની છે. ઈરાને મંજૂરી વગર કોઈપણ જહાજની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હાલમાં પણ 13 ભારતીય જહાજો પર્સિયન ગલ્ફમાં છે, જ્યારે 11 જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.





