MORBI:મોરબી પ્રેમ સંબંધના વહેમમાં પરિવાર પર હુમલો, પુત્રી અને જમાઈને ધમકી મળતા ગભરાયેલા વૃદ્ધાનો આપઘાત







MORBI:મોરબી પ્રેમ સંબંધના વહેમમાં પરિવાર પર હુમલો, પુત્રી અને જમાઈને ધમકી મળતા ગભરાયેલા વૃદ્ધાનો આપઘાત


મોરબી: મોરબી શહેરમાં પ્રેમ સંબંધના મનદુઃખમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાઈ ગયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબીમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી નઝમાબેન સલિમભાઈ માણેકને એવો વહેમ હતો કે ફરિયાદ કરનાર મહિલાને તેના (નઝમાના) પતિ સલીમ સાથે પ્રેમ સંબંધ છે. આ ખોટા શકના આધારે ગત રોજ આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા.
આરોપીઓએ હાથમાં લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યાં હાજર ફરિયાદી, તેના મમ્મી અને તેના પતિને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને તેના મમ્મીને મુંઢ માર માર્યો હતો.
હુમલો કરીને ગયા બાદ પણ આરોપીઓનો આતંક અટક્યો ન હતો. આરોપીઓએ ફરીથી ફોન કરીને ફરિયાદીના મમ્મીને મકાન ખાલી કરી દેવાની અને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સતત મળી રહેલી ધમકીઓ અને માનસિક ત્રાસને કારણે ગભરાઈ ગયેલા વૃદ્ધાએ ભારે તણાવમાં આવી જઈને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.ફરિયાદના આધારે પોલીસે નીચે મુજબના શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે:
૧. નઝમા સલિમભાઈ માણેક – ૨. નુરબાનુ (રહે. વીસીપરા) – ૩. જીલીબેન (રહે. શુભ સોસાયટી) -૪. ભુરીબેન (રહે. વીસીપરા) ૫. નઝમાબેનના સાસુ – ૬. વલિયો દાઉદભાઈ (રહે. વીસીપરા) મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.




