
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી વિલ્મર મુંદરા ખાતે ‘વ્યસન મુક્તિ’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો: રાજયોગ દ્વારા સ્વસ્થ જીવનનો રાહ બતાવાયો
મુંદરા, તા. 10:
વર્તમાન સમયમાં સમાજમાં વ્યસનોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મુખ્ય કારણ બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખી ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝ સંસ્થા વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત મુંદરાના ધ્રબ સ્થિત એ.ડબલ્યુ.એલ. એગ્રી બિઝનેસ લિમિટેડ (અદાણી વિલ્મર) કંપનીમાં એક પ્રેરણાદાયી ‘વ્યસન મુક્તિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કંપનીના એચ.આર. આસિસ્ટન્ટ મેનેજર અભિષેક શર્મા દ્વારા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રિયંકાબેને સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે ૧૯૩૬માં સિંધ હૈદરાબાદથી શરૂ થયેલી આ સંસ્થા આજે વિશ્વના ૧૪૨ દેશોમાં માનવ કલ્યાણ અર્થે કાર્યરત છે.
નિવૃત્ત હેલ્થ સુપરવાઇઝર બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે ઉપસ્થિત કર્મચારીઓને સંબોધતા જણાવ્યું કે “માનવ શરીર એ પરમાત્માએ આપેલી અમૂલ્ય અમાનત છે. વ્યસનને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને વ્યક્તિ અનેક ગંભીર બીમારીઓનો ભોગ બને છે.” તેમણે વ્યસન છોડવા માટે સંસ્થા દ્વારા વિનામૂલ્યે શીખવવામાં આવતા ‘રાજયોગ’ પર ભાર મૂક્યો હતો જે માનવીને ચિંતામુક્ત અને સ્વસ્થ બનાવે છે.
રાજયોગિની બ્રહ્માકુમારી સુશીલા દીદીએ પોતાની સરળ અને પ્રભાવશાળી શૈલીમાં સમજાવ્યું કે રાજયોગ દ્વારા આત્માનું પરમાત્મા સાથે જોડાણ થવાથી આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિશાળી સંકલ્પોથી કોઈપણ વ્યક્તિ જૂની આદતો અને વ્યસનોને સહેલાઈથી છોડી શકે છે. ત્યારબાદ દીદીએ ઉપસ્થિત સૌને મેડિટેશન (ધ્યાન) કરાવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં શાંતિ અને ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
કાર્યક્રમના આકર્ષણના કેન્દ્ર તરીકે સંસ્થાના ભાઈ-બહેનો દ્વારા એક પ્રેરણાદાયી વ્યસન મુક્તિ નાટક રજૂ કરવામાં આવ્યો હતો. આ નાટક દ્વારા પાન, તમાકુ, સિગારેટ, શરાબ અને ડ્રગ્સથી થતા આર્થિક અને શારીરિક નુકસાન વિશે ઊંડી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિનોદભાઈ ઠક્કરે સૌને વ્યસન મુક્ત રહેવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન એચ.આર. એક્ઝિક્યુટિવ ચિનમયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પરમાત્માની મધુર સ્મૃતિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.











વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




