MORBI:મોરબી નાગનાથ શેરીમાં માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે શખ્સોને ભક્તોએ ‘ફિલ્મી ઢબે’ ઝડપી પાડ્યા







MORBI:મોરબી નાગનાથ શેરીમાં માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે શખ્સોને ભક્તોએ ‘ફિલ્મી ઢબે’ ઝડપી પાડ્યા


મોરબી: શહેરના નાગનાથ શેરી વિસ્તારમાં આવેલા દશાશ્રીમાળી વણિક કગથરા કુટુંબના ખોડિયાર માતાજીના મંદિરમાં થયેલી રૂ. ૫૦,૦૦૦ની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. જાગૃત ભક્તોએ સતર્કતા દાખવી વોચ ગોઠવી હતી અને ફરી ચોરી કરવા આવેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે.
થોડા દિવસો પહેલા જ્યારે મંદિરના પૂજારી પ્રફુલભાઈ દવે સવારે મંદિર ખોલવા ગયા, ત્યારે તેમને દાન પેટીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દાન પેટીમાંથી અંદાજે રૂ. ૫૦,૦૦૦ની રોકડ રકમની ચોરી થઈ હતી. આ ઘટનાને પગલે મંદિરના ટ્રસ્ટીઓ અને કગથરા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ચોરને પકડવા માટે પરિવારના સભ્યો જતીનભાઈ મહેતા, ભાવિકભાઈ, મહેશભાઈ અને અન્ય યુવાનોએ એક યોજના બનાવી હતી. તેઓને ખાતરી હતી કે ચોર ફરીથી મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ કરશે. આથી ૫ મે થી મંદિરમાં છૂપી રીતે વોચ રાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
વોચ દરમિયાન બે શંકાસ્પદ યુવાનો મંદિરમાં વારંવાર આંટાફેરા કરતા દેખાયા હતા. સાંજે ચારેક વાગ્યે જ્યારે આ બંને શખ્સોએ માતાજી પાસે રાખેલી ૫૦૦ની નોટ ચોરવાનો અને દાન પેટી ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ વોચમાં બેઠેલા ઋષભભાઈ પારેખ અને જતીનભાઈએ તેમને દબોચી લીધા હતા.
પકડાયેલા આરોપીઓ ઋત્વિકભાઈ ઉર્જેશભાઈ જોષી (રહે. ગ્રીન ચોક, કડીયા શેરી, મોરબી) વરૂણ મનસુખભાઈ ડોડીયા (રહે. નાગનાથ શેરી, મોરબી) ભક્તોએ તુરંત જ ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. મોરબી એ ડિવિઝન પોલીસની વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. હાલ પોલીસ દ્વારા આ શખ્સોની વધુ પૂછપરછ અને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.




