HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ શહેર ખોદકામના ખાડામાં, પ્રજા ટ્રાફિકમાં કેદ !

 

HALVAD:હળવદ શહેર ખોદકામના ખાડામાં, પ્રજા ટ્રાફિકમાં કેદ !

“‘રીલોમાં વ્યસ્ત નેતાઓ, રસ્તા પર રડતી જનતા ? કોન્ટ્રાક્ટરની બેદરકારીથી શહેરમાં ટ્રાફિક તાંડવ !”‘

હળવદ: હળવદ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યા સામાન્ય નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર ચાલી રહેલા ખોદકામ, અધૂરી કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. “વિકાસના કામ”ના નામે રસ્તાઓ ખોદાયા છે, પરંતુ સમયસર પૂર્ણ ન થતા પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.

શહેરના બસ સ્ટેશન રોડ, નગરપાલિકા કચેરી નજીક, એચડીએફસી બેન્ક રોડ, સરા નાકા તથા ગંગા તલાવડી વિસ્તારમાં વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામના દૃશ્યો રોજબરોજ સર્જાઈ રહ્યા છે. માર્ગો ખોદી નાખ્યા બાદ યોગ્ય ડાયવર્ઝન, સૂચના બોર્ડ કે વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ન ગોઠવાતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રોજિંદા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ ખોદકામને કારણે ગ્રાહકોની અવરજવર ઘટી જતા વેપાર-ધંધા પર સીધી અસર પડી રહી છે. એક તરફ ધૂળ અને કાદવની સમસ્યા તો બીજી તરફ આડેધડ પાર્કિંગ અને સંકુચિત રસ્તાઓના કારણે ટ્રાફિક ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.

શહેરીજનોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે લોકો રસ્તા પર પરેશાન છે ત્યારે જવાબદાર તંત્ર અને કેટલાક કહેવાતા નેતાઓ માત્ર સોશિયલ મીડિયામાં સક્રિય દેખાઈ રહ્યા છે. પ્રજાની મૂળભૂત સમસ્યાઓના ઉકેલ માટે મેદાનમાં ઉતરવાને બદલે માત્ર દેખાવની રાજનીતિ થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

જાગૃત નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં નહીં આવે, ખોદકામ ઝડપથી પૂર્ણ નહીં થાય અને પાર્કિંગ માટે અસરકારક આયોજન નહીં ગોઠવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

હવે સવાલ એ છે કે — હળવદની પ્રજાને ટ્રાફિકના ત્રાસમાંથી ક્યારે રાહત મળશે ? કે પછી વિકાસના નામે મુશ્કેલીઓનો આ સિલસિલો યથાવત રહેશે ?

Back to top button
error: Content is protected !!